ગુજરાતની તમામ સ્કૂલોમાં નવી ગાઈડ લાઈન ના આવે ત્યા સુધી પ્રવાસ બંધ
અમદાવાદઃ ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં સ્કૂલ પિકનિકે ગયેલા બાર બાળક અને બે શિક્ષક ઘરે પાછા ફર્યા ન હતા. વડોદરાના હરણી તળાવમાં બોટ ઉલટી પડી જતા આ બાળકોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ સ્કૂલ પિકનિક કે ફરવાના સ્થળોએ બાળકો અને પર્યટકો કેટલા સુરક્ષિત છે તે ચર્ચાનો વિષય બન્યો હતો. હવે જ્યારે આ વર્ષની પિકનિકનું આયોજન દિવાળીના વેકેશન બાદ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં સ્કૂલો કરતી હોય છે ત્યારે સરકારે તેના પર બ્રેક લગાવી દીધી છે. સરકારે નવો આદેશ કે માર્ગદર્શિકા ન આવે ત્યાં સુધી બાળકોને પિકનિક પર ન લઈ જવાનું ફરમાન કરતો પરિપત્ર બહાર પાડ્યો છે.
ગુજરાતમાં હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસ સંદર્ભે નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ નવી માર્ગદર્શિકા જાહેર કરાશે અને તેમાં નક્કી થયેલા નિયમો અનુસાર જ શાળાઓએ શૈક્ષણિક પ્રવાસ લઈ જવાનો રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા જ્યાં સુધી નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી પ્રવાસ અંગેની મંજૂરી આપવામાં આવશે નહીં. જેથી હાલમાં શાળાઓ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકશે નહીં.
શૈક્ષણિક પ્રવાસ મામલે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, જિલ્લા કક્ષાની કચેરી દ્વારા સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા ખાનગી શાળાઓને સ્થાનિક પ્રવાસની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્ય બહારના પ્રવાસ ની મંજૂરી આપવામાં આવે છે. આ બાબતે સંબંધિત પ્રભાગોના વિષયો-વિદ્યાર્થીઓના વયજૂથને ધ્યાને લઇને પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી માટે પ્રવર્તમાન નિયમો-જોગવાઇઓ મુજબ વિગતવાર સૂચનાઓ શિક્ષણ વિભાગના સંબંધિત વહીવટી પ્રભાગો દ્વારા આપવાની રહેશે.
કાળજું કંપાવતો એ હરણી બોટ કાંડ અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં 18મી જાન્યુઆરીના રોજ હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 માસુમ બાળકો અને બે શિક્ષકોના મોત નિપજ્યા હતા. ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણી તળાવ આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા.આ ઘટના બાદ બોટિંગના નિયમોને નેવે મૂકી કઈ રીતે પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકવામાં આવે છે તે બહાર આવ્યું હતું. આ મામલે ગુજરાત હાઈ કોર્ટે પણ સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
Also Read –