કેગના રિપોર્ટમાં આવક અને ખર્ચમાં વિસંગતતાનો ખુલાસો, રાજ્ય સરકારે 2023-24માં 27176 કરોડ વ્યાજ ચૂકવ્યું | મુંબઈ સમાચાર
Top Newsઆપણું ગુજરાત

કેગના રિપોર્ટમાં આવક અને ખર્ચમાં વિસંગતતાનો ખુલાસો, રાજ્ય સરકારે 2023-24માં 27176 કરોડ વ્યાજ ચૂકવ્યું

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બુધવારે છેલ્લા દિવસે ગૃહમાં 2023-24ના વર્ષનો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના આવક-ખર્ચ, રાજકોષીય ખાધ, અને અન્ય નાણાકીય માપદંડોની વિગતવાર માહિતી આપવામાં આવી છે. કેગ દ્વારા આવક અને ખર્ચમાં વિસંગતતા પર કેગ દ્વારા ટીપ્પ્ણી કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષ 2023-24માં રાજ્યની રાજકોષીય ખાધ ₹23,493 કરોડ નોંધાઈ છે, જે અગાઉના વર્ષ 2022-23ની ₹16,846 કરોડની ખાધ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યની આવક કરતાં ખર્ચમાં વધારો થયો છે.

આ રિપોર્ટમાં રાજ્યની આવક, બિન કર આવક અને કરવેરાની આવકમાં વિસંગતતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. રાજ્યના હિસ્સાની તબદીલી તથા ખર્ચમાં પણ વિસંગતતા હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં 2019-20માં મહેસુલી પુરાંત 1945 કરોડ હતી જે 2023-24માં 33477 કરોડ થઈ હતી. આવક અને ખર્ચનો તફાવત મહેસૂલી પુરાંતમાં પરિણમ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના રસ્તાઓ બનશે શાનદાર: રાજ્ય સરકારે ₹822 કરોડ કર્યા મંજૂર

કેગના રિપોર્ટ મુજબ, વ્યાજની ચૂકવણી, કર્મચારીઓના વેતન અને પેન્શન પરનો ખર્ચ વર્ષ ૨૦૨૩-૨૪માં ₹૯૬,૫૮૨ કરોડ થયો છે, જે 2022-23ના ₹79,784 કરોડ કરતાં વધુ છે. આ ખર્ચ છેલ્લા પાંચ વર્ષ (2019-2024) દરમિયાન રાજ્યના કુલ મહેસૂલી ખર્ચના 44 ટકા થી 51 ટકા જેટલો રહ્યો છે, જે રાજ્યના નાણાકીય સંસાધનો પરના દબાણને દર્શાવે છે.

કેગ રિપોર્ટમાં આવક અને ખર્ચના હિસાબમાં કેટલીક ગંભીર વિસંગતતાઓ પર ટીપ્પણી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ₹322 કરોડના 29 ચલણોની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે ખર્ચ ઘટાડવાને બદલે અયોગ્ય રીતે હિસાબમાં દર્શાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વણવપરાયેલી રકમને આવક તરીકે દર્શાવવામાં આવી હતી, જે હિસાબના ધોરણોની વિરુદ્ધ છે.

રિપોર્ટમાં એકલ નોડલ એજન્સીઓના ખાતામાં 7,743 કરોડની રકમ વણવપરાયેલી રહી હોવાનું બહાર આવ્યું છે. આ રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી રકમના ઉપયોગ માટે જરૂરી 4,745 કરોડના ઉપયોગ પ્રમાણપત્રો (યુટીલાઈઝેન સર્ટીફિકેટ) રાજ્ય સરકાર રજૂ કરી શકી નથી, જે ભંડોળના પારદર્શક ઉપયોગ પર પ્રશ્ન ઊભો કરે છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારે ૧૧૮ માર્ગોના રિસરફેસિંગના કામો માટે ૯૭૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા…

વર્ષ 2023-24માં વેતન અને પેન્શન માટે 96582 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.નોડલ એજન્સીમાં 7743 કરોડ રૂપિયા વણવપરાયેલા પડ્યા છે. બીજી બાજુ કેન્દ્રની રકમ પર રાજ્ય સરકાર પ્રમાણપત્ર જાહેર કરી શકી નથી. કેગના રીપોર્ટમાં 24 વિભાગોને અપાયેલા નાણાં પર ટીપ્પણી કરવામાં આવી છે. કેગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં વણવપરાયેલી રકમને આવક તરીકે દર્શાવવામાં આવી છે. ખર્ચમાં ઘટાડાને બદલે અયોગ્ય રીતે હિસાબમાં દર્શાવાયા છે. વર્ષ 2023-24માં મૂડીની આવકમાં 10819 કરોડનો ઘટાડો થયો છે. જ્યારે વર્ષ 2023-24માં 27176 કરોડ રૂપિયા વ્યાજની ચૂકવણી કરવામાં આવી છે. વર્ષ 2023-24માં રાજ્યની મૂડી આવકમાં 10,819 કરોડનો ઘટાડો નોંધાયો છે, જે ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ્સ માટે ભંડોળની ઉપલબ્ધતા પર અસર કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેગનો આ રિપોર્ટ ગુજરાતની નાણાકીય સ્થિતિનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. મહેસૂલી પુરાંતમાં થયેલો વધારો એક સકારાત્મક સંકેત છે, પરંતુ વધતી રાજકોષીય ખાધ, વ્યાજ અને પેન્શનના વધતા ખર્ચ, અને ખાસ કરીને હિસાબી વિસંગતતાઓ અને કેન્દ્ર સરકારના ભંડોળના અયોગ્ય ઉપયોગ અંગે કેગ દ્વારા વ્યક્ત થયેલી ચિંતાઓ ગંભીર છે. આ રિપોર્ટ રાજ્ય સરકારને તેની નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલીમાં સુધારો કરવા માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડી શકે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button