Gujaratમાં રેશનકાર્ડની દુકાનમાં ગુણવત્તાયુક્ત અનાજ આપવા સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) અનાજ વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા છૂટક અનાજની ગુણવત્તાને લઇને અનેક વાર ફરિયાદો ઉઠી છે. ત્યારે હવે રાજ્ય સરકારે રેશન કાર્ડની દુકાનમાં છૂટક અનાજમાં ભેળસેળને રોકવા નવો પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી છે. જેમાં અનાજમાં થતી ભેળસેળ રોકવા અને ગુણવત્તાયુક્ત અનાજ લોકોને મળી રહે તે માટે સરકાર હવે છૂટક અનાજ વહેંચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે. રાજ્ય સરકાર દ્વારા 72.51 લાખ કરતાં વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે.
કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી મંજૂરી મેળવવામાં આવશે
આ અંગે અન્ન નાગરિક પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્યના ગરીબોને આપવામાં આવતું અનાજ સારી ગુણવત્તાનું મળે. તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ન થાય તે માટે અનાજનું પેકેજીંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. આ બાબતે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી મંજૂરી મેળવવામાં આવશે.
આ પણ વાંચો…Bhavnagar સોમનાથ હાઇવે પર બસ- ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
ગુણવત્તાને લઈને ફરિયાદો મળી હતી
આગામી બજેટમાં અનાજનું પેકેજીંગ કરવા માટેની રકમની જોગવાઈ કરવામાં આવશે. હાલમાં રાજ્યમાં ગ્રાહકોને બે કિલો, ત્રણ કિલો છૂટક અનાજ આપવામાં આવે છે. જેથી ઘણીવાર અનાજની ગુણવત્તાને લઈને ફરિયાદો જોવા મળી છે. અનાજ બદલી નાખવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા અનાજ, કઠોળ સહિત નક્કી કરેલા જથ્થાને પેકેજીંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા કરી રહી છે.