ગુજરાત સરકારનો મોટો નિર્ણય, TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં વધારો

ગાંધીનગર: ગુજરાત સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે સેવા આપતા ટ્રાફિક બ્રિગેડના જવાનો દૈનિક માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. તેમનું માનદ વેતન રૂપિયા 300 થી વધારીને રૂપિયા 450 કરવામાં આવ્યું છે. જેનો આજથી અમલ કરવામાં આવશે. જેના લીધે 10 હજારથી વધુ TRB જવાન અને પરિવારને લાભ થશે.
જવાનોના પરિશ્રમની રાજ્ય સરકારે કદર કરી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ, જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે.
ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોના કાર્યક્ષેત્રને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવા નિર્ણય લીધો છે.
ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક
ગૃહ વિભાગના વર્ષ 2018 ના ઠરાવ મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂ. 300 ચૂકવવામાં આવતા હતા.રાજ્ય સરકાર દ્વારા આ વેતન વધારીને હવે પ્રતિદિન રૂ. 450 કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજે 10,000 થી વધુ ટી.આર.બી. જવાનો અને તેમના પરિવારને મળશે. રાજ્ય સરકારના આ સંવેદનાત્મક અભિગમ સાથે લેવાયેલા નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે. જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે.



