પશુ સહાયઃ ગુજરાત સરકારે ગૌશાળા-પાંજરાપોળોને ચૂકવ્યા 19.50 કરોડ
ગાંધીનગર: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની ત્રીજી બેઠક મળી હતી. આ બેઠકમાં જુલાઈ-2024થી સપ્ટેમ્બર-2024 માટે રાજ્યની વધુ 33 ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે 70,600થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 19.50 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
સહાયની માટે કરી શકાશે અરજી આ ઉપરાંત ઓકટોબર-2024થી ડિસેમ્બર-2024ના તબક્કા માટેની સહાય મેળવવા ઈચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઇન અરજી કરી શકે તે હેતુથી તા. 1 થી 15 જાન્યુઆરી-2025 દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુઓના નિભાવ માટેની સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ વર્ષે ચૂકવી 171.05 કરોડની સહાય આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 દરમિયાન કુલ રૂ. 171.05 કરોડની સહાય DBTના માધ્યમથી સીધી સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવવામાં આવી છે.
Also read: ગુરુગ્રામમાં ગૌશાળામાં ઘૂસ્યા બે દીપડા પછી…..
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ. 30 લેખે આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.