ગુજરાત સરકારે એઆઈ અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો, નાગરિકોને સુવિધાનો લાભ ઝડપથી મળશે | મુંબઈ સમાચાર

ગુજરાત સરકારે એઆઈ અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો, નાગરિકોને સુવિધાનો લાભ ઝડપથી મળશે

ગાંધીનગર : ગુજરાત સરકારે દેશમાં એઆઈ ક્ષેત્રે અગ્રેસર બનવા મોટો નિર્ણય લીધો છે. જેની માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030ને મંજૂરી આપી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી નાગરિકોને સરકારી યોજનાઓ અને સુવિધાનો લાભ  ઝડપથી મળશે. એઆઈના
વ્યાપક ઉપયોગથી ડિજિટલ એમ્પ્વારમેન્ટ અને ટેકનોલૉજીકલ સેક્ટરમાં  સજ્જ બનાવવા આ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલૉજી ડ્રિવન ગવર્નન્સ અને સામાજિક-આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખીને વિકસિત ગુજરાત@2047ના વિચાર સાથે શાસન વ્યવસ્થા અને સરકારના વિભાગોમાં એઆઈનો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત સોમનાથમાં નવેમ્બર-2024માં યોજાયેલી વાર્ષિક ચિંતન શિબિરમાં કરી હતી.

આ પણ વાંચો: બાળકો પર લટકે છે ડાયાબિટિસની તલવારઃ ગુજરાત સરકારે શુગર બૉર્ડ બનાવવાનો આપ્યો આદેશ

10 સભ્યોની  એઆઈ ટાસ્કફોર્સ કમિટિની રચના

આ દૃષ્ટિકોણને અનુરૂપ ગવર્નન્સ, આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૃષિ, ફિનટેક તથા અન્ય મિશન-ક્રિટીકલ ક્ષેત્રોમાં એઆઈને રાજ્યવ્યાપી બનાવવા 10 સભ્યોની એક તજજ્ઞ એઆઈ ટાસ્કફોર્સ કમિટિની રચના પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ ટાસ્કફોર્સની ભલામણોના આધારે તેમની સમક્ષ રજૂ થયેલા એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ એ.આઈ. 2025-2030ને અનુમોદન આપ્યું છે.

એઆઈ ઇકોસિસ્ટમ પણ ઊભી થશે.

 આ એક્શન પ્લાન રાજ્ય સરકારને અદ્યતન એઆઈ ક્ષમતાઓથી સજ્જ કરવા માટે ટાઈમ બાઉન્ડ બ્લૂપ્રિન્ટ તરીકેનું કાર્ય કરશે. એટલું જ નહિ, સરળતાએ સેવા વિતરણ, બહેતર નાગરિક જીવનની સુનિશ્ચિતતા, જીવનમાં ગુણવત્તા વૃદ્ધિ સાથેની સમૃદ્ધ નવીનતાપૂર્ણ એઆઈ ઇકોસિસ્ટમ પણ ઊભી થશે.

આ પણ વાંચો: ફેકટરી એકટમાં સુધારો કરવા ગુજરાત સરકારે બહાર પાડયો વટહુકમઃ કામદારો ૯ના બદલે ૧૨ કલાક કામ કરી શકશે

એઆઈ અને ડિપટેક મિશનની સ્થાપના કરવામાં આવશે

એક્શન પ્લાનના સુવ્યવસ્થિત અને સમયસર અમલીકરણ માટે, રાજ્ય દ્વારા એક સમર્પિત એઆઈ અને ડિપટેક મિશનની સ્થાપના કરવામાં આવશે. આ મિશન રાજ્ય સરકારમાં એઆઈ સ્ટ્રેટેજીસ અને ઊભરતી ટેકનોલૉજી માટેની ડિઝાઈન, અમલીકરણ અને ઇનોવેશનમાં નેતૃત્વકર્તાના રૂપમાં એક વિશિષ્ટ સંસ્થાકીય પદ્ધતિ તરીકે કાર્ય કરશે.

આ ઉપરાંત, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક શોધ-સંશોધન અને ઉદ્યોગોને સહયોગથી સુદ્રઢ ઈકોસિસ્ટમને બળ આપશે. એઆઈ અને તેને સંલગ્ન ટેકનોલૉજીસમાં વર્કફોર્સની સ્કીલીંગ, રિ-સ્કિલીંગ અને અપસ્કીલીંગ પર ફોકસ કરશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button