ગુજરાતમાં કફ સિરપની ગુણવત્તાની ચકાસણી થશેઃ ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગ પાસે માંગ્યો રિપોર્ટ…

અમદાવાદઃ મધ્ય પ્રદેશ અને રાજસ્તાનમાં કફ સીરપ પીવાથી 12 બાળકોના મોત થયાની ઘટના બાદ ગુજરાત સરકાર સફળી જાગી હતી. રાજ્યમાં આવી ઘટના ન બને તે માટે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તેમણે આરોગ્ય વિભાગ પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો હતો. ઉપરાંત કેન્દ્રની માર્ગદર્શિકાનો અમલ કરવા સૂચના આપી હતી. આ આદેશનો હેતુ ગુજરાતમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાનો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જણાવ્યું હતું. ઉપરાંત ગુજરાતમાં વેચાતી કફ સિરપની ગુણવત્તા અને તેના વેચાણ પર સઘન તપાસ હાથ ધરવાની સૂચના આપી હતી. સમગ્ર મામલે વિસ્તૃત અને તાત્કાલિક રિપોર્ટ પણ માંગ્યો હતો.
આ તપાસ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ એ ગુજરાતના બજારમાં કોઈ નબળી કે ઝેરી ગુણવત્તાની કફ સિરપનું વેચાણ ન થાય અને બાળકોના સ્વાસ્થ્યને જોખમ ન પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.
બાળકોના મૃત્યુના મામલાઓને ધ્યાનમાં લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. આ નિર્દેશોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શરદી અને ખાંસીની દવાઓ (કફ સિરપ) ન આપવી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીઝ દ્વારા જારી કરાયેલ આ સૂચના, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે દૂષિત કફ સિરપના કારણે બાળકોના થયેલા મૃત્યુના બનાવો બાદ આવી હતી.
આ પણ વાંચો…મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ બાદ કફ સિરપ ‘કોલ્ડ્રિફ’ ના વેચાણ પર પ્રતિબંધ