સમૃદ્ધ ખેડૂતો લઈ ગયા ગરીબ ખેડૂતોના નાણાંઃ ગુજરાત સરકારે કરી કાર્યવાહી
અમદાવાદઃ દેશના નાના અને તકલીફો ભોગવતા ખેડૂતોને મદદ મળી રહે તે માટે પીએમ કિસાન સન્માનનિધી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને વર્ષે રૂ. 6000 સરકાર દ્વારા સહાયપેટે મળે છે. આમ તો 6000 ખૂબ જ નાની રકમ છે, પરંતુ ગુજરાતમાં એવા ખેડૂતો છે જેમણે પોતે પાત્ર ન હોવા છતાં આ 6000 લીધા છે. આવા ખેડૂતોની સંખ્યા લગભગ 1.6 લાખ આસપાસ હોવાનું જાણવા મળ્યું છે.
આ ખેડૂતોમાં ઈન્કમટેક્ષ ભરતા 1.60 લાખ ખેડુતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી પેન્શન મેળવતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લેવામાં બાકાત રહ્યા નથી. જોકે હવે હકીકત બહાર આવતા જ કેન્દ્ર સરકારની સૂચનાને પગલે નિયમ વિરૂધ્ધ યોજનાનો લાભ લેનારાં ખેડૂતો પાસેથી પૈસા પાછા લેવા કરવા રાજ્ય કૃષિ વિભાગે કાર્યવાહી હાથ ધરી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.
રાજ્ય કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમા ઈન્કમટેક્સ ભરતા હોય તેવા ખેડૂતોએ પણ પીએમ કિસાન સન્માનનિધિ યોજનાના છ હપ્તાનો 1,60,354 ખેડૂતો પાત્રતાના હોવા છતાંય યોજનાનો લાભ લીધો છે. જેમાં સરકારી પેન્શન મેળતું હોય અને સરકારી કર્મચારી હોય તેવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લેવામાં બાકાત રહ્યા નથી, જે દુઃખની વાત છે. આ ઉપરાંત ઘણાં ખેડુતો મૃત્યુ પામ્યા હોવા છતાંય તેમના પરિવારજનો બારોબાર પીએમ કિસાન સન્માનનિધી યોજનાનો હપ્તો મેળવતા હતા. જેમાં તપાસ કરતા એવુ બહાર આવ્યું છે કે 1,01,696 ખેડૂતો તો મૃત્યુ પામ્યા હોવા છતાંય તેમના ખાતામાં છ હજારની રકમ હપ્તા રૂપે જતી હતી. હકીકતમાં આ ખેડૂતો પીએમ કિસાન સન્માનનિધિ યોજનાનો લાભ માટે પાત્ર નથી. આખરે આ યોજનાનો ખોટી રીતે લાભ લેતા તમામ ખેડુતોના નામ કમી કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં કુલ 2,62,050 ખેડૂતોના નામ રદ્દ કરવામાં આવ્યા છે. બીજી તરફ આ યોજનાનો બારોબાર લાભ લેનારા ખેડૂતો પાસે પાસે નાણાંની રિકવરી શરૂ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક ખેડુતોએ હપ્તાના નાણાં પરત કર્યા છે. આ ઉપરાંત ખેતી નિયામકો દ્વારા અન્ય જિલ્લામાં પણ ખેડૂતો પાસેથી નાણા રિકવરી કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સરકાર કાર્યવાહી કરે તે બરાબર, પણ ખેડૂતોએ પોતે પણ સમજવું જોઈએ કે તેમનાથી નાના અને જરૂરિયાતમંદ ખેડૂતો સુધી આ મદદ પહોંચે તે જરૂરી છે, આથી આ પ્રકારે ગેરરીતિ જગતનો તાત કહેવાતો ખેડૂત કરે તે યોગ્ય નથી.
Also Read –