શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: આ તારીખથી શરૂ થશે ભરતી પ્રક્રિયા…

ગાંધીનગર: ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. 25 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. 10 ઓક્ટોબર, 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો : Teacher’s Day: ગુજરાતમાં શિક્ષકોની અછત વચ્ચે શિક્ષક દિવસની ઉજવણી
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગત તા. 01 ઓગસ્ટ, 2024ના રોજ આચાર્ય તેમજ ગત તા. 01 સપ્ટેમ્બર, 2024ના રોજ અંદાજિત 4000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે, આગામી સમયમાં બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.
શિક્ષક દિવસે જ શિક્ષકોએ કર્યા ધરણાં:
રાજ્ય સરકાર દ્વારા અગાઉ શિક્ષકોની ભરતીને લઈને જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા TAT HSની 4 હજાર જગ્યાની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે એવું કહેવામાં આવ્યું હતું. જો કે તેનું આજદિન સુધી કોઇ નોટિફિકેશન જાહેર ન થતાં ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી. ગઇકાલે શિક્ષક દિવસ નિમિતે જ TAT પાસ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન કર્યા હતા. ગાંધીનગર સચિવાલય બહાર ધરણાં કરી રહેલા શિક્ષકોને ડિટેઈન કરવામાં આવતાં અન્ય ઉમેદવારોએ ચ-3 અને ઘ-3 સર્કલ પર પહોંચીને ચક્કાજામ કરી ધરણાં શરૂ કર્યાં હતાં. શિક્ષકોના ધરણાંને કારણે રોડ બંધ થઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.