ગુજરાતમાં ગિફ્ટ સિટીની તમામ જમીન 2028 સુધીમાં ફાળવી દેવાશે, બસ સેવા પણ શરુ કરાશે…

અમદાવાદ : દેશની પ્રથમ સ્માર્ટ સિટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી) ઝડપથી ડેવલોપ થઈ રહી છે. ત્યારે હાલ ગિફ્ટ સિટીમાં 50 ટકા જમીન ટેન્ડર દ્વારા અપાઇ ગઇ છે. જેમ જેમ ડિમાન્ડ આવશે તેમ તેમ બાકીની જમીન આપવામાં આવશે. અત્યારે ગિફ્ટ સિટીની જમીનની સારી ડીમાન્ડ હોવાથી 2028 સુધીમાં ગિફ્ટ સિટીની તમામ જમીન ફાળવી દેવામાં આવશે એવો વિશ્વાસ ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર સંજય કૌલે વ્યક્ત કર્યો હતો.
ગિફ્ટ સિટીમાં અત્યાર સુધીમાં કુલ 71 બિલ્ડિંગને મંજૂરી
આ ઉપરાંત કૌલે વધુમાં જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં અત્યાર સુધીમાં કુલ 71 બિલ્ડિંગને મંજૂરી મળી છે અને તેમાંથી 25 બિલ્ડિંગ કાર્યરત થઈ ગયા છે. આ સિવાય 6 બિલ્ડિંગનું બાંધકામ ચાલુ છે અને 10 બિલ્ડિંગના પ્લાન પાસ થવાની કાર્યવાહીમાં છે. ગિફ્ટ સિટીમાં 1100 ફ્લેટ આવેલા છે અને 27 હજાર કર્મચારી કામ કરી રહ્યા છે. ગિફ્ટ સિટીનું આયોજન કરાયું ત્યારે નક્કી થયા પ્રમાણે, કુલ જમીનમાંથી 67 ટકા જમીન કોમર્શિયલ હેતુ માટે વપરાશે જ્યારે 27 ટકા રેસિડન્ટ, 11 ટકા જમીન સોશિયલ એક્ટિવિટી અને 5 ટકા યુટિલિટી માટે ઉપયોગ કરવામાં આવશે.

સ્પોર્ટ્સ એરેના 2026ના માર્ચ સુધીમાં ચાલુ થશે
કૌલે ગિફ્ટ સિટીમાં ચાલી રહેલાં વિકાસકાર્ય વિશે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં કામ કરનારાં લોકોના મનોરંજન અને સ્વાસ્થ્ય માટે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાઈ રહ્યું છે. તેના ભાગરૂપે ગિફ્ટ સિટીમાં એક વિશાળ સેન્ટ્રલ પાર્ક વિકસાવવામાં આવી રહ્યું છે. આ સેન્ટ્રલ પાર્કમાં ફૂડ કોર્ટ, સ્પોર્ટ્સ એરિના અને અન્ય મનોરંજન સુવિધાઓનો સમાવેશ થશે. તેમણે કહ્યું કે, સ્પોર્ટ્સ એરેના 2026ના માર્ચ સુધીમાં ચાલુ થઈ જશે.
ડિસેમ્બરથી કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ શરૂ થશે
આ ઉપરાંત ડિસેમ્બરથી કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ શરૂ થશે અને દર મહિને લગભગ ત્રણ કાર્યક્રમો યોજવાનું આયોજન છે. ગિફ્ટ સિટીમાં કામ કરનારા હળવા થઈ શકે એ ઉદ્દેશથી આ કાર્યક્રમો કરાઈ રહ્યા છે. કૌલે જણાવ્યું કે, ફૂડ કોર્ટનો કરાર રાષ્ટ્રીય પ્રસિદ્ધ બ્રાન્ડને આપવામાં આવ્યો છે. આ સેન્ટ્રલ પાર્ક સમગ્ર રાજ્યમાંથી મુલાકાતીઓને આકર્ષશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો
કૌલે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં લોકોની અવર જવર માટે બસ સેવા શરૂ કરવા એસ.ટી. તંત્ર સાથે ચર્ચા ચાલી રહી છે. બહુ જલદી આ બસ સેવા શરૂ કરાશે અને એ માટે એક સ્ટડી પણ ચાલી રહ્યો છે. તેનો રિપોર્ટ આવી ગયા બાદ કયા સમયે બસ સેવા શરૂ કરવી તેનો નિર્ણય કરવામાં આવશે. મેટ્રોના નવા બે સ્ટેશન માટે મંજૂરી મળી ગઇ છે અને તેની કામગીરી પણ બહુ જલદી શરૂ કરાશે. ગિફ્ટ સિટીમાં સામાન્ય લોકોની સગવડ માટે બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત બહારથી આવતા લોકો માટે શરૂ કરાયેલી મેટ્રો રેલના નવા બે સ્ટેશનને પણ મંજૂરી મળી ગઇ છે. ગિફ્ટ સિટિમાં ઈન્ટર્નલ ટ્રાન્સપોર્ટેશન માટે ઈ-ટેક્સી પણ શરૂ કરવામાં આવશે.



