આપણું ગુજરાત

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, સિઝનનો 54 ટકા વરસી ગયો

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ કર્યા બાદ હવે વરસાદે થોડો વિરામ લેતા ખેડૂતો અને સામાન્ય જનતાને થોડી રાહત થઈ છે. સતત એકાદ મહિના સુધી વરસાદ વરસતા અને તંત્રના વાંકે પાણી ભરાઈ જતા બીમારી અને રોગચાળાનો ભય સતાવતો હતો. જોકે હવે ઉઘાડ નીકળતા અને સૂર્યદેવતાએ દર્સન દેતા જનજીવન સામાન્ય થયું છે અને ખેડૂતો પણ વાવણી તરફ વળ્યા છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેમ છેલ્લા 24 કલાકમાં માત્ર 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં માત્ર એક સંતરામપુર તાલુકામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

રાજ્યમા છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સંતરામપુરમાં એક ઈંચ, વીરપુરમાં 24 મી.મી, ગરબાડામાં 20 મી.મી, તલોદમાં 18 મી.મી, છોટા ઉદેપુરમાં 16 મી.મી, ડાંગ-આહ્વામાં 13 મી.મી, વ્યારામાં 11 મી.મી, વાલિયા, સોનગઢ, ધાનપુર અને મહીસાગરના માંડવીમાં 10-10 મી.મી વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 55 તાલુકામાં સામાન્યથી 10 મી.મી વરસાદ વરસ્યો છે

રાજ્યમાં સરેરાશ 54.88 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 54.88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 75.67 ટકા, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 73.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં 34.37 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 29.61 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 207 પૈકી 45 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.. સૌરાષ્ટ્રના 35, કચ્છના છ, દક્ષિણ ગુજરાતના ચાર ડેમ છલોછલ છે. સરદાર સરોવર ડેમમાં હાલ 53.67 ટકા જળસંગ્રહ થયો છે.

હવામાન વિભાગની અગાહી
રાજ્યમાં આગામી 31મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button