ગુજરાતને વધારાની 250 પીજી મેડિકલ સીટ મળશેઃ નિષ્ણાત ડોક્ટરોની અછત દૂર થશે

અમદાવાદ: કેન્દ્ર સરકારે નવી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં દેશભરની સરકારી અને સેલ્ફ ફાયનાન્સ મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સીટોના મોટા વધારાને મંજૂરી આપી હતી. કુલ 11,000 થી વધુ સીટોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યમાં 250થી વધુ મેડિકલ સીટને મંજૂરી આપવામાં આવી હતી. નિષ્ણાત ડોક્ટરોની અછત દૂર થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ પગલું રાજ્યમાં નિષ્ણાત ડૉક્ટરોની વધતી માંગ પૂરી કરવા અને તબીબી શિક્ષણ તેમજ આરોગ્યના માળખાને મજબૂત કરવાના હેતુથી લેવામાં આવ્યું હતું .સીટોમાં થયેલા આ વધારાથી ગુજરાતની મેડિકલ કોલેજો હવે જનરલ મેડિસિન, સર્જરી, બાળરોગ અને સ્ત્રીરોગ જેવા મહત્ત્વના વિષયોમાં વધુ અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે.
આ પણ વાંચો: 40 મેડિકલ કોલેજો પર સીબીઆઈના દરોડા, કલોલ ખાતેની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલક સામે ફરિયાદ…
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, આ વધારાની ક્ષમતા ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તબીબી નિષ્ણાતોની અછતને દૂર કરવામાં મદદરૂપ થશે.આ નવી સીટો માટેની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસના સુપરવિઝન હેઠળ શરૂ થશે. સીટોમાં થયેલો આ વધારો એવા નીટ-પીજી ક્વોલિફાય થયેલા ઉમેદવારો માટે ફાયદાકારક સાબિત થશે.
અધિકારીઓએ આ પગલાને ભારતના તબીબી શિક્ષણની ક્ષમતાને વિસ્તારવા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓની પહોંચ સુધારવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.