દેશમાં ગેસ લીકેજની ઘટનામાં થયો વધારોઃ 2023માં ગુજરાતમાં સૌથી વધુ બનાવ
અમદાવાદઃ સંસદમાં શુક્રવારે રજૂ થયેલા આંકડા પ્રમાણે દેશમાં ગેસ અને કેમિકલ ગળતરની ઘટનામાં એક દાયકામાં બમણો વધારો થયો છે. 2023માં બનેલી આવી ઘટનાઓમાં ગુજરાત મોખરે છે. લોકસભામાં રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે લેખિત જવાબમાં કહ્યું હતું કે 2013માં આવી માત્ર 143 ઘટના જ બની હતી.
2023માં આ સંખ્યા વધીને 30 પર પહોંચી હતી. જેમાં ગુજરાત મોખરે રહ્યું હતું. ગુજરાતમાં 2023માં આવી 24 ઘટના નોંધાઈ હતી, ત્યાર બાદ ઉત્તપ્રદેશમાં 3, આસામમાં 2 તથા ગોવામાં 1 બનાવ બન્યો હતો. આવી ઘટનામાં કુલ 25 લોકોના મૃત્યુ થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં મુંબઈના નકલી ડૉક્ટરે વૃદ્ધની સર્જરી કરીને 6 લાખ પડાવ્યા, આ રીતે ફૂટ્યો ભાંડો
2013ની સરખામણીએ આ નોંધપાત્ર વધારો દર્શાવે છે. દાયકા પહેલાં દેશભરમાં 13 ઘટના નોંધાઈ હતી, જેમાં 11 લોકોના મૃત્યુ થયા હતા. તેલંગણામાં સૌથી વધુ છ ઘટના બની હતી. જ્યારે પંજાબ, તમિલનાડુ, તેલંગણા અને ઉત્તર પ્રદેશ પણ આવી ઘટના બની હતી.
રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગે સમગ્ર દેશમાં મોટા અકસ્માત જોખમી એકમો માટે રાસાયણિક અને પેટ્રોકેમિકલ ઔદ્યોગિક સલામતી પર કેન્દ્રિત તાલીમ કાર્યક્રમો શરૂ કર્યા છે. વધુમાં, પર્યાવરણ મંત્રાલયે રાસાયણિક સલામતી માટે એક સંકલિત માર્ગદર્શન માળખું વિકસાવ્યું છે, જેમાં ઔદ્યોગિક સ્થળોની નિયમિત તપાસ અને કટોકટી સજ્જતા યોજનાઓ ફરજિયાત કરવામાં આવી છે.