Kirti Mandir ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સીએમ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી

પોરબંદર : મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી (Gandhi Jayanti 2024)નિમિત્તે પૂજ્ય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સીએમ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેવો સર્વધર્મ પ્રાર્થનામાં પણ સહભાગી થયા હતા.
બાપુનો જીવન એ જ એમનો સંદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણને આઝાદીના અમૃત કાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે. અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂજ્ય બાપુનો જીવન એ જ એમનો સંદેશ છે. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અપાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાનનો વિચાર આપ્યો છે.
ગાંધી વિચારમૂલ્યોને ચરિતાર્થ કરીને વિકસિત ભારત બનાવીએ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કરવા 10 વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું જે દેશભરમાં ઘર ઘર સુધી પહોંચ્યું અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા મળી .સ્વચ્છતા એ જન ભાગીદારીનું કાર્ય છે અને એ આપણે સાર્થક કર્યું છે.આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ અને પર્યાવરણ આધારિત વિકાસના સંકલ્પ સાથે ગાંધી વિચારમૂલ્યોને ચરિતાર્થ કરીને ભારતને વિકસિત, ઉન્નત અને અમૃતમય બનાવવા આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ.
મહાત્મા ગાંધીજી વિશ્વને અહિંસાની માર્ગ ચીંધ્યો
જ્યારે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ મહાત્મા ગાંધીજીને વંદન કરી જણાવ્યું હતું કે, રાજ્ય શાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ મહાત્મા ગાંધીજી વિશ્વને ચીંધ્યો હતો. મહાત્મા ગાંધીજીએ આપેલા દર્શનનો પીએમ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બને તે માટે અમલ થઈ રહ્યો છે. પૂજ્ય બાપુના દર્શન અહિંસા, સ્વચ્છતા, બુનિયાદી શિક્ષણ, અર્થવ્યવસ્થા અને અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ તે બાપુના વિચાર દર્શનને પીએમ મોદી અમલમાં મૂકી દેશને વિકસિત ભારત બનાવવા પરિશ્રમ કરી રહ્યા છે.
કીર્તિ મંદિર સર્વધર્મ પ્રાર્થના સભામાં રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો હાજર રહ્યા હતા. જ્યારે સરકારી શાળાના શિક્ષકોના કલાવૃંદ દ્વારા સર્વધર્મ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી