ગુજરાતની 75 વર્ષની ગૌરવગાથા: 'લોગો સ્પર્ધા'માં ભાગ લઈને 3 લાખ જીતવાની સુવર્ણ તક!

ગુજરાતની 75 વર્ષની ગૌરવગાથા: ‘લોગો સ્પર્ધા’માં ભાગ લઈને 3 લાખ જીતવાની સુવર્ણ તક!

ગાંધીનગરઃ ગુજરાતની સ્થાપનાના ગૌરવશાળી ૭૫ વર્ષ ૨૦૩૫માં પૂર્ણ થશે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણીના રૂપે ગુજરાત સરકારે MyGovindia પ્લેટફોર્મ પર રાષ્ટ્રીયસ્તરે લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના 75 વર્ષની આ ભવ્ય યાત્રાના પ્રતીકરૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ ‘લોગો’ મંગાવી, તેને રાજ્યના આર્થિક નેતૃત્વ, ટેક્નોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતા અને લોક કેન્દ્રિત શાસનને ઉજાગર કરવાનો શુભ આશય આ સ્પર્ધામાં રહેલો છે.

ક્યાં કરશો અરજી
મુખ્ય પ્રધાને સર્જનાત્મકતાની અભિવ્યક્તિના આગવા અવસર સમાન આ લોગો ડિઝાઈન માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો Mygov.in પ્લેટફોર્મ પર પ્રારંભ કરાવ્યો હતો. દેશભરમાંથી નાગરિકો પોતે ડિઝાઇન કરેલા લોગો તા. 28 જુલાઈથી 14 ઓગસ્ટ દરમિયાન Mygov.inની https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર સબમીટ કરી શકશે.

સર્ટિફિકેટની સાથે મળશે 3 લાખ રૂપિયા
આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનાર લોગોને રૂપિયા ૩ લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્ય પ્રધાનના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. ગુજરાત @75 વાઈબ્રન્ટ હેરિટેજ, વિઝનરી ફ્યુચરની થીમ સાથે યોજાનારી ગુજરાત@75 લોગો સ્પર્ધામાં લોકોની સહભાગિતા વધારીને તથા લોકોમાંથી જ પ્રાપ્ત થયેલા લોગો થકી એક આગવી ઓળખ ઊભી કરીને ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષના ઉત્સવમાં પોતીકાપણું સુનિશ્ચિત કરવાનો ભાવ અભિપ્રેત છે.

ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, ગૌરવશાળી ઇતિહાસ અને અદભુત વારસા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે જે વાઇબ્રન્ટ વિકાસ કર્યો છે તેની અભિવ્યક્તિ આ લોગોમાં સ્પર્ધકો ડિઝાઇન કરીને સબમીટ કરી શકશે. સ્પર્ધાના અન્ય નિયમો અને જાણકારી Mygov.in પર ઉપલબ્ધ કરવામાં આવેલા છે.

આ પહેલ ગુજરાતની સ્થાપનાના ૭૫માં વર્ષની ઉજવણીને જનભાગીદારીથી સર્વ-સમાવેશક અને સર્વવ્યાપી બનાવવાનો એક નવીન પ્રયાસ છે. એટલું જ નહિં, આ સ્પર્ધા દ્વારા નાગરિકો ગુજરાતના વારસા, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકશે અને વિજેતા થયેલ લોગો Gujarat@75 માટે એક આગવું ગૌરવ, આગવી ઓળખ અને વિશેષતા બની રહેશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button