ગુજરાત પર તોળાઈ રહ્યું છે માવઠાનું સંકટ, 10 અને 11 એપ્રિલે આ જિલ્લાઓમાં થશે કમોસમી વરસાદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો નીચે જતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે. ગુરૂવારે રાજ્યના 12 શહેરોમાં તાપમાન 36 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ હતુ. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હવામાન સુકું રહેશે, 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થતાં તાપમાન 40 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.
રાજ્યમાં એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવવાના સંકેત છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાજેતરમાં રાજ્યનું વાતાવરણ વાદળછાંયું અને ગરમીનું પ્રમાણ પણ ઓછું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનનો પારો નીચો આવશે. અમદાવાદમાં વાદળછાંયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહની આગાહી કરવામાં આવી છે. જે મુજબ પાંચ દિવસ રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે. પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
ALSO READ : ‘અચ્છે દિન’ પુરા થયા, કાળઝાળ ગરમી અને હીટવેવ સહન કરવા થઈ જાઓ તૈયાર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે 10 અને 11 એપ્રિલ પ્રિ મોન્સુન એકટીવીટીના પગલે કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ 10 એપ્રિલ દાહોદ, છોટઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે.11 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા અને છોટા ઉદેપુરમાં હળવો વરસાદ થઇ શકે છે.
કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરૂ સહિતના ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. જો કે માવઠાના કારણે અસહ્ય ગરમીથી ત્રસ્ત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઠંડક પ્રસરી શકે છે.