દરિયામાં ફસાયેલા ગુજરાતના માછીમારો માટે મહારાષ્ટ્રમાં આશ્રયની વ્યવસ્થા; દરિયામાંથી તાત્કલિક પરત ફરવા સુચના | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

દરિયામાં ફસાયેલા ગુજરાતના માછીમારો માટે મહારાષ્ટ્રમાં આશ્રયની વ્યવસ્થા; દરિયામાંથી તાત્કલિક પરત ફરવા સુચના

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૩ ઓગષ્ટ સુધી માછીમારી માટે હવામાન અનુકૂળ નહિ હોય તેમજ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત માછીમારી માટે દરિયામાં હોય એવી તમામ બોટ્સને પણ તાત્કાલિક અસરથી પરત ફરવા સુચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત દરિયામાં, વરસાદ અને ભારે પવન ફૂંકાવાની સ્થિતિને ધ્યાને લઇ માછીમારો મધદરિયે હોય કે મહારાષ્ટ્ર રાજયની દરિયાઇ સીમામાં હોય તો તે બોટ, જહાજ અને માછીમારોની સલામતી અર્થે કામચલાઉ રીતે આશ્રય મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આ અંગે ગુજરાત રાજયના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા મહારાષ્ટ્ર રાજયના મત્સ્યોદ્યોગ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો માછીમારો માટે નિર્ણય: નવી સીઝન પૂર્વે બોટ માટે ડીઝલ વિતરણ શરૂ થશે

પ્રતિકૂળ હવામાનની સ્થિતિની બાબતને ધ્યાને લઇ ગુજરાત રાજયના માછીમારોને મહારાષ્ટ્રના પાલઘર, થાણે, મુંબઈ ઉપનગર, મુંબઈ શહેર, રાયગઢ અને રત્નાગિરી સિંધુદુર્ગ સહિતના વિસ્તારોમાં આશ્રય મળી રહે તે માટે મહારાષ્ટ્ર રાજયના મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા ગુજરાત રાજયની બોટ, જહાજ અને માછીમારોને મહારાષ્ટ્ર રાજયના વિવિધ બંદરો પર સલામત આશ્રય, જરુરી પ્રાથમિક સુવિધાઓ અને સહાય મળી રહે તે માટે આનુષાંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

હવામાન ખાતાના અહેવાલ મુજબ, તાજેતરમાં અરબી સમુદ્રમાં હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર, નવા બંદર, રાજપરા, સિમર-ખડાબંદર સહિતના બંદરો પરથી અને રાજયભરના દરિયાઇ વિસ્તારોમાંથી માછીમારો દરિયો ખેડવા માટે જતા હોય, તેમને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button