Gujaratના માછીમારો 26 ડિસેમ્બરે આ મુદ્દે નોંધાવશે ઉગ્ર વિરોધ, દરિયાકાંઠાના ગામો સંપૂર્ણપણે બંધ પાળશે
પોરબંદરઃ ગુજરાતના(Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલુ જેતપુર શહેર સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. શહેરના સાડી ઉદ્યોગનુ કેમિકલ યુક્ત પાણી પોરબંદર નજીકના દરિયામાં વહાવવાનો પ્રોજેક્ટ સરકાર આગળ વધારી રહી છે. ત્યારે પોરબંદરમાં ગુજરાત ખારવા સમાજની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાતના માછીમારો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 26મી ડિસેમ્બરે દરિયા કિનારાના ગુજરાતના ગામો સંપૂર્ણપણે બંધ પાળશે અને જો સરકાર નહીં જાગે તો હવે કોર્ટમાં પણ જવાની ચિમકી ઉચ્ચારી છે.
ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગ ફેકટરીઓ આવેલી છે
ગુજરાત ખારવા સમાજના પ્રમુખ અને પોરબંદર ખારવા સમાજના તથા ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ગુજરાત ભરના ખારવા સમાજના અગ્રણીઓની પોરબંદરમાં શનિવારે અને રવિવારે બે દિવસની બેઠક યોજાઈ હતી જેમાં કલેક્ટરને આવેદન આપવાની સાથોસાથ એવી રણનીતિ ઘડવામાં આવી હતી કે જેતપુર ખાતે બે હજાર ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગ ફેકટરીઓ આવેલી છે.
લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોનાં પણ શિકાર
આ તમામ ફેકટરીઓનાં કેમીકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યનો કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે તેમજ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમીકલ વેસ્ટથી પ્રભાવિત થતા લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોનાં પણ શિકાર બની શકે છે.
આ પણ વાંચો…Ahmedabad માં ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ, ધરપકડની માંગ
કોર્ટમાં જવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે
જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠલવવા સામે 26મી ડિસેમ્બરે ગુજરાત ભરના દરિયાકાંઠાના ગામો બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવશે અને ત્યારબાદ ગામેગામ આવેદનપત્ર પાઠવવામાં આવશે. ત્યાર પછી પણ જો સરકાર આ પ્રોજેક્ટમાં ફેર વિચારણા નહીં કરે તો ના છૂટકે કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં જવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે તેમ જણાવ્યુ હતુ.