ગુજરાતી માછીમારનું Pakistanની જેલમાં થયું મોત, પાર્થિવ દેહ વતન લવાયો
અમદાવાદ : પાકિસ્તાનની(Pakistan) જેલમાં બંધક એક ભારતીય માછીમારનું બીમારીથી મોત થયું હતું. ઉનાના નવાબંદરનાં સુરેશ સોલંકી નામના માછીમારનું મોત થતા ભારતીય ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારના પાર્થિવ દેહ માદરે વતન લવાયો છે.
37 દિવસ પહેલા પાકિસ્તાનની જેલમાં થયું મોત
ગીરનાં ઉનાં તાલુકાનાં નવાબંદર ગામમાં સુરેશ સોલંકી (ઉ.વ.50) નામના માછીમારનો મૃતદેહ આવતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. સુરેશભાઈ સોલંકી અને તેના સાથી માછીમારોનું 2021નાં વર્ષમાં માછીમારી દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મેરિન દ્વારા અપહરણ કરવામાં આવેલા માછીમારોને લાંબા સમયથી ઇસ્લામાબાદની જેલમાં કેદ રખાયા હતા.
પાકિસ્તાનમાં યોગ્ય સારવારને અભાવે આજથી 37 દિવસ પહેલા સુરેશભાઈનું પાકિસ્તાનમાં તેમનું નિધન થયું હતુ. ત્યારે માત્ર થોડા દિવસ પહેલા સુરેશભાઈનાં મોતની પરિવારને અચાનક ખબર મળી હતી.
પાકિસ્તાનની જેલમાં 200થી વધુ ભારતીય માછીમારો
5મી સપ્ટેમ્બરના દિવસે મૂળ ભારતના નવાબંદર ખાતે રહેતા સુરેશ સોલંકી નામના આધેડ માછીમારનું પાકિસ્તાનની કરાચીની જેલમાં બીમારી સબબ મોત થયું હતુ. 37 દિવસ બાદ આજે હતભાગી માછીમારનો મૃતદેહ ઈસ્લામાબાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. એમ્બ્યુલન્સ મારફત આજે 4.00 કલાકે તેમનો મૃતદેહ માદરે વતન નવાબંદર ભારતીય ફિશરીઝ વિભાગ દ્વારા લવાયો હતો. હજુ પણ પાકિસ્તાનની જેલમાં 200થી વધુ ભારતીય માછીમારો છે.