સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારો માટે ગુજરાત સરકારે જારી કરી નવી ગાઈડલાઈન્સ…

અમદાવાદ: સરહદી તણાવ શાંત થયો તેવી સામાન્ય પરિસ્થિતિની વચ્ચે ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ કમિશ્નરની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી માછીમારોને દરિયો ન ખેડવા અને માછીમારી બોટ્સને ટોકન ઇસ્યુ કરવાની કામગીરી બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રવર્તમાન ખરાબ હવામાનની આગાહી અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સી તરફથી મળેલી સૂચનાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
અગાઉ, ખરાબ હવામાનની સંભાવનાને પગલે માછીમારી બોટ્સને પરત બોલાવી લેવા અને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. જો કે, પરિસ્થિતિમાં સુધારો જણાતા 14 મેથી માછીમારી બોટોને જવા દેવા માટે ટોકન ફરીથી ઇસ્યુ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ હવે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી તરફથી મળેલી માહિતીને પગલે ફરી એકવાર આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયામાં માછીમારી માટે ગયેલી તમામ બોટ્સને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા અને માછીમારોને દરિયો ન ખેડવા માટે આદેશ કરાયો છે. તેમજ, માછીમારી બોટ્સને નવા ટોકન ઇસ્યુ કરવાની કામગીરી પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે.
મત્સ્યોદ્યોગ કમિશ્નરની કચેરી દ્વારા તમામ જિલ્લા અધિકારીઓને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા અને માછીમારોના જાન-માલને કોઈ નુકસાન ન થાય તે માટે જરૂરી તમામ સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને આ અંગે તાત્કાલિક જાણ કરવા અને તેમને દરિયામાં ન જવા માટે સમજાવવા પણ જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જાફરાબાદના દરિયાકાંઠાથી લગભગ 20 નોટિકલ માઈલ દૂર અરબ સાગરમાં એક શંકાસ્પદ બોટ જોવા મળતા ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક માછીમારો દ્વારા વાયરલેસ દ્વારા તેમના બોટ કેપ્ટનને આ માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ જાફરાબાદ બોટ એસોસિએશને ભારતીય તટરક્ષક દળ (Coast Guard)ને કરી હતી. શંકાસ્પદ બોટ જોવા મળી હોવાની વિગતો મળતાની સાથે જ કોસ્ટ ગાર્ડે ગંભીરતા દાખવીને હેલિકોપ્ટર દ્વારા વિસ્તારનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે.
આપણ વાંચો : પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે ગુજરાતના માછીમારો, કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવા લાચાર પરિજનોની અપીલ