આપણું ગુજરાત

પપૈયા, ચીકુ, લીંબું, ભીંડા, અજમો અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં ગુજરાત દેશમાં પ્રથમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન રાજ્યમાં ફળ પાકના ઉત્પાદનમાં બમણો, શાકભાજીમાં ચાર ગણો અને મસાલા પાકના ઉત્પાદનોમાં સાડા ત્રણ ગણો વધારો થયો છે. આ ઉપરાંત રાજ્યમાં બાગાયતી પાકોનું વાર્ષિક સરેરાશ ૬૦ હજાર હેક્ટર નવું વાવેતર શરૂ થાય છે, અને સાથે જ સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં પણ નવું વાવેતર શરૂ થયું છે. એવું રાજ્ય કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું.

રાઘવજી પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧-૦૨માં ફળપાકનો વાવેતર વિસ્તાર ૧.૯૮ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૨૬.૬૨ લાખ મે.ટન હતું, જેની સામે વર્ષ ૨૦૨૨-૨૩માં ફળપાકનો વાવેતર વિસ્તાર ૪.૪૮ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૮૨.૯૧ લાખ મે.ટન નોંધાયું છે. શાકભાજી પાકનો વાવેતર વિસ્તાર ૨.૩૭ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૩૨.૯૯ લાખ મે. ટન હતું, જેની સામે વર્ષ ૨૦૨૨-૨૩માં શાકભાજી પાકનો વાવેતર વિસ્તાર ૮.૩૨ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૧૬૭.૧૮ લાખ મે.ટન થયું છે. આટલું જ નહિ, મસાલા પાકોનો વાવેતર વિસ્તાર તે સમયે ૨.૫૭ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૨.૪૦ લાખ મે.ટન હતું, જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં મસાલા પાકોનો વાવેતર વિસ્તાર ૬.૫૭ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૧૨.૦૧ લાખ મે.ટન સુધી પહોંચ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના આયોજન થકી આજે ભારતના કુલ મસાલા પાકોના ઉત્પાદનમાં ગુજરાતનો ૧૦.૯૬ ટકા ફાળો છે, જ્યારે ફળપાકના ઉત્પાદનમાં ૧૩.૦૧ ટકા અને શાકભાજી પાકના ઉત્પાદનમાં ૧૨.૫૯ ટકા ફાળો
ગુજરાતનો છે.

પપૈયા, ચીકુ, લીંબુ, ભીંડા, અજમો અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં તેમ જ પપૈયા, ચીકુ, વરીયાળી, જીરું, ભીંડા અને અજમાંના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે, અને દાડમ તથા લીંબુના ઉત્પાદનમાં દ્વિતીય છે. ગુજરાત બટાકા અને વરિયાળીની ઉત્પાદકતામાં પ્રથમ, જ્યારે દાડમની ઉત્પાદકતામાં દેશમાં દ્વિતીય છે. ગુજરાત પાસે પોતાની આગવી ઓળખ કહી શકાય તેમ જ વૈશ્ર્વિક સ્તરે આગવું સ્થાન ધરાવતી ગીરની કેસર કેરી અને કચ્છી ખારેકનો પણ સમાવેશ થાય છે.

રાજ્યને બાગાયતી ક્ષેત્રે સતત આગળ વધારવા માટેનું આગોતરું આયોજન કરીને ગુજરાત સરકાર દ્વારા ૪૮૩ કોલ્ડ સ્ટોરેજ, ૭૮ રાયપનીંગ ચેમ્બર, ૩૮ પ્રાયમરી મિનિમલ પ્રોસેસિંગ યુનિટ, ૧૨ હાઇટેક નર્સરી, ૩૭૧ શોર્ટિગ-ગ્રેડિંગ-પેકિંગ, યુનિટ, ૩૪ ટીસ્યુ કલ્ચર લેબોરેટરી, ૨૩ બાયોકંટ્રોલ લેબ, ૧૯ પ્રી-કુલીંગ યુનિટ અને રેફ્રીઝરેટેડ વાન પણ ઉપલબ્ધ છે, તેવું જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button