ગુજરાતમાં ફટાકડા વિક્રેતાઓ માટે ફાયર સેફ્ટી NOC ફરજિયાત: હવે 500 ચો.મી.થી નાની દુકાનોને પણ લાગુ…

દિવાળી પહેલાં ગૃહ વિભાગનો કડક પરિપત્ર; સુરક્ષા માપદંડોના કડક અમલ વગર નહીં મળે ફટાકડાના પરવાના
અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફટાકડા વેચાણ કરતી દુકાનોને લઈને કડક નિયમો જાહેર કર્યા હતા. ગૃહ વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટો અને પોલીસ કમિશનરોને પરિપત્ર મોકલી સ્પષ્ટ કર્યું છે કે હવે ફટાકડાના પરવાના ઇશ્યુ, રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફ્ટી એનઓસી ફરજિયાત રહેશે. આ નિયમ 500 ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ લાગુ થશે.
શું છે પરિપત્રમાં
આ પરિપત્રમાં જણાવાયું છે કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તાજેતરમાં ફાયર સેફ્ટી માટેની વિગતવાર ચેકલિસ્ટ તૈયાર કરી છે. આ ચેકલિસ્ટને અનુસરીને હવે દરેક દુકાન માટે ફાયર વિભાગની મંજૂરી મેળવવી જરૂરી રહેશે. પરિપત્ર મુજબ જિલ્લાવાર અધિકારીઓને પરવાના ઇશ્યુ કે રિન્યુ કરતી વખતે આ ચેકલિસ્ટનો કડક અમલ કરવો ફરજિયાત રહેશે. ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન ફટાકડા વેચાણમાં વધારો થતો હોય છે અને આવા સમયે કોઈ દુર્ઘટના ન બને તે માટે સરકાર આગોતરી કાળજી લઈ રહી છે.
નાની દુકાનોને પણ છૂટ નહીં મળે
હાલ સુધીમાં મોટા પ્લોટ કે ગોડાઉન પર ફાયર સેફ્ટી નિયમો વધુ લાગુ પડતા હતા. પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ નાની દુકાનોને પણ છૂટ નહીં મળે. એટલે કે, 500 ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ ફાયર એનઓસી ફરજિયાત રહેશે. આ સાથે દુકાનનું સ્થાન, બહાર નીકળવાના માર્ગ, આગ બુઝાવવાના સાધનો અને સુરક્ષા અંતર જેવા માપદંડોની તપાસ કર્યા વગર પરવાનો મળશે નહીં.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાઓને કારણે સરકાર પર દબાણ વધી રહ્યું હતું. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…દિવાળી પર સુરતથી સૌરાષ્ટ્ર જતાં મુસાફરો માટે 1,600 એકસ્ટ્રા બસ દોડાવાશે