‘બહારથી આવતા યુવાનો નાઈટ લાઈફ ઇચ્છતા હોય છે….’: દારૂની છૂટ અંગે GIFT Cityના એમડીનો જવાબ

ગિફ્ટ સિટી: ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી જે ગિફ્ટ સિટી (GIFT city) તરીકે જાણીતું બન્યું છે હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. ગિફ્ટ સિટીમાં ગુજરાત સરકારે દારૂ પીવા અને વેચાણ અંગે આંશિક છૂટછાટ આપ્યા બાદ વિવાદ ઉભો થયો છે, વિપક્ષ અને કેટલાક સામાજિક સંગઠનો સરકાર પર આરોપો લગાવી રહ્યા છે.
આ વચ્ચે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તપન રેએ ગુરુવારે જણાવ્યું હતું કે દુબઈ, સિંગાપોર અને લંડન જેવા વૈશ્વિક નાણાકીય હબ સાથેની સ્પર્ધાને ધ્યાનમાં રાખીને GIFT સિટીમાં દારૂ પ્રતિબંધનો કાયદો હળવો કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે તપન રે GIFT સિટીની અંદર ‘વાઇન એન્ડ ડાઇન’ માટે લાયસન્સની સુવિધા આપવા માટે અધિકૃત પેનલના ચાર સભ્યો પૈકીના છે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં યુવા પ્રતિભાને આકર્ષવા માટે છૂટછાટ આપવામાં આવી છે કારણ કે તેઓ નાઈટ લાઈફ માણવાની અપેક્ષા રાખતા હોય છે.
આગામી સપ્તાહે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના ભાગ રૂપે GIFT સિટી દ્વારા આયોજિત કરવામાં આવનારી બે ઇવેન્ટની જાહેરાત બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તપન રેએ આ ટિપ્પણીઓ કરી હતી. તપન રેએ કહ્યું કે, “ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ માટે, વિશ્વભરમાં ઘણી સ્પર્ધા છે.
જ્યારે ગિફ્ટ સિટી દુબઈ, સિંગાપોર અને લંડન સાથે સ્પર્ધા કરી રહ્યું છે, ત્યારે જો તમે ઓછી સુવિધાઓ આપશો, તો અહીં ફાઈનાન્સિયલ સર્વિસીઝ નહીં આવે. ગિફ્ટ સિટીમાં ન આવવા માટે કોઈ પાસે કોઈ કારણ ન રહે તેના માટે દારૂબંધીના નિયમો હળવા કરવામાં આવ્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે ખૂબ જ મર્યાદિત રીતે છૂટછાટ આપવામાં આવી છે જેમાં ફક્ત ત્યાં કામ કરનારાઓને જ છૂટછાટ મળશે.
જે બહારથી કામ કરવા આવે છે એ મુલાકાતીઓને જ છૂટછાટ મળશે. રાજ્યના અધિક મુખ્ય સચિવ (ગૃહ)ના નેતૃત્વ હેઠળ એક પેનલની રચના કરવામાં આવી છે જે એજન્સીઓને લાયસન્સ આપશે ત્યારબાદ વાઇન અને ડાઇનિંગ સેવા ટૂંક સમયમાં શરૂ થશે. ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગે 22 ડિસેમ્બરે ગિફ્ટ સિટીમાં પ્રોહિબિશન એક્ટમાં છૂટછાટની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે નવી જોગવાઈને લાગુ કરવા અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ અઠવાડિયે, બીજી સૂચના આવી, જેમાં GIFT ફેસિલિટેશન કમિટીની જાહેરાત કરવામાં આવી જે અમલીકરણની જવાબદારી સંભાળશે.