કુદરતે વિનાશ વેર્યો તેને એક વર્ષ થયું, પણ સરકાર સામું નથી જોતીઃ ખેડૂતો રોષે ભરાયા

અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં ફેરફારને કારણે છેલ્લાં બે-ચાર વર્ષથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે. આ દરમિયાન છેલ્લાં બે વર્ષમાં અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જો કે, સરકાર દર વખતે રાહત પેકેજ જાહેર કરે છે. આ વાતને એક વર્ષ વિતવા આવ્યું છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને હજુપણ રૂ. 102 કરોડ જેટલી માતબર રકમનું વળતર ચૂકવામાં આવ્યુ નથી, તેવી કકડાટ ખેડૂતો કરી રહ્યા છે.
12 જિલ્લાના ખેડૂતોને વળતર નહીં
ચોમાસાની પેટર્ન બદલાતા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાઇ રહ્યો છે. આ વર્ષે પણ ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. વર્ષ 2023માં ભારે વરસાદથી રાજ્યનો એકેય જિલ્લો એવો નહી હોય જ્યાં ખેતીને નુકશાન થયુ ન હોય. રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરીને 31 જિલ્લામાં ખેડૂતોને 641.39 કરોડ સહાય પેટે ચૂકવ્યા હતાં. આ વાતને એક વર્ષથી વધુ સમય વિત્યો પણ હજુ સરકારે કેટલાંય જીલ્લામાં ખેડૂતોને સહાય ચૂકવી નથી. આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, નર્મદા, ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, જૂનાગઢ અને સુરતમાં હજુય ખેડૂતોને નુકશાનીનુ વળતર મળી શક્યુ નથી. આ બધાં જિલ્લામાં કુલ મળીને રૂ. 102.51 કરોડ ચૂકવવાના બાકી છે, તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.