ખેડૂતો માટે કામના સમાચારઃ રાજ્યમાં કમોસમી વરસાદથી કૃષિ પાકોને થયેલા નુકસાનની સહાય ચૂકવાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને લીધે કૃષિ પાકોને મોટા પાયે નુકસાની થઈ છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટું પગલું લીધું હતું. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કમોસમી વરસાદથી કૃષિ પાકોને થયેલા નુકસાનની સહાય ચુકવવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. હવે ગ્રામસેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરશે. એક અઠવાડિયામાં સર્વેની કામગીરી હાથ ધરાશે.
મળતી વિગત પ્રમાણે, રાજ્ય કેબિનેટની બેઠકમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સ્થિતિ અને ખેડૂતોને ચૂકવવાની થતી સહાય અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા પ્રધાનોએ પણ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. પાક નુકસાનીના સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ ખેડૂતોને નુકસાની સહાય જાહેર કરવામાં આવશે. કેબિનેટે આ અંગે સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખેડૂતોને મહત્તમ મદદ મળી રહે તે માટે સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફના નિયમો ઉપરાંત એક વિશેષ રાહત પેકેજ જાહેર કરવા અંગે પણ ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે શરૂ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી હતી. આ સર્વેની કામગીરી સંદર્ભિત ઠરાવોની જોગવાઈઓ મુજબ શરૂ કરવાની રહેશે.
જે મુજબ, અસરગ્રસ્ત વિસ્તારોના તમામ સર્વે નંબરોમાં ડિજિટલ સર્વે દિન-20માં પૂર્ણ કરાવવાનો રહેશે. ખેતી નિયામક સેટેલાઈટ ઈમેજ આધારિત ઇમ્પેકટેડ વિસ્તારનો પ્રાથમિક રિપોર્ટ મેળવીને દિન-૧૨માં જિલ્લા કક્ષાએ મોકલી આપશે. આ ઉપરાંત સર્વેયર ટીમો દ્વારા દરેક સર્વે કરેલ અસરગ્રસ્ત સર્વે નંબરના ફોટા જિઓ ટેગીંગ સાથે ‘કૃષિ પ્રગતિ’ મોબાઈલ એપ્લીકેશન પર અપલોડ કરવાના રહેશે. તેમજ ખેડૂતો પોતે પણ નુકસાનની વિગતો ઓનલાઈડ અપલોડ કરી શકશે.
આ પણ વાંચો…કૌશિક વેકરીયાએ અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકશાનીનો તાગ મેળવ્યો…



