આપણું ગુજરાત

કહેવાતું ઐતિહાસિક પેકેજ એ પેકેજ નહીં પણ પડીકું : કૉંગ્રેસે કરી ટીકા

અમદાવાદઃ ગુજરાત સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રૂ. 10,000 કરોડનું રાહતપેકેજ જાહેર કર્યાના બીજા દિવસે કૉંગ્રેસે સરકારની ટીકા કરી હતી અને કહેવાતા ઐતિહાસિક પેકેજને પડીકું ગણાવ્યું હતું.

કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જગતનો તાત ખેડૂત તમામ રીતે હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ થયો છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. કહેવાતું ઐતિહાસિક પેકેજ એ પેકેજ નહીં પણ પડીકું છે. ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી ખેડૂતોની હાલત જોઈએ તો એક વર્ષમાં ક્યાંક અતિવૃષ્ટિ થાય છે, વાવાઝોડું આવે છે, પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે, ક્યારેક કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતોની આખા વર્ષની જે મહેનત ધોવાઈ જાય છે અને એની સામે સરકાર પાસે જે આશાને અપેક્ષા હોય એવી કોઈપણ જાતની મદદ કે રાહત આજ દિન સુધી ખેડૂતોને મળી નથી. ગુજરાતમાં ૫૦ લાખથી વધુ ખેડૂતોએ બેંકોમાંથી ધિરાણ લીધું છે. અને આ ધિરાણની રકમ ૧.૫૦ લાખ કરોડ જેટલી થાય છે.

સરકારની જાહેરાત મુજબ ૧૬,૫૦૦ જેટલા ગામો અસરગ્રસ્ત થયા. અને ગુજરાતમાં લગભગ ૭૨ લાખ હેક્ટર જેટલી જમીનમાં વાવેતર હતું એ પૈકી સરકારના રેકોર્ડ મુજબ અહેવાલ મુજબ ૪૨ લાખ હેક્ટર જમીનમાં કમોસમી વરસાદને કારણે વાવેતરને નુકસાન થયું છે. પેકેજમાં પ્રતિ હેક્ટર ૨૨,૦૦૦ રૂપિયાની સહાય આપીશું અને બે હેક્ટરની મર્યાદા છે પરંતુ વીઘા દીઠ આ સહાયની ગણતરી કરો તો ફક્ત ૩,૫૦૦ રૂપિયા પ્રતિ વીઘા મળવાના છે. કપાસ-મગફળી જેવા પાકોમાં લગભગ ૧૭,૦૦૦ જેટલી રકમ તો ખેતી ખર્ચ પાછળ જાય છે. જયારે ખાતર, બિયારણ, વીજળી મોઘી બની છે ઉપજનો અંદાજો ટેકાના ભાવ મુજબ ગણીએ તો બીજા ૩૦ થી ૩૧,૦૦૦ રૂપિયાનો છે. આ બંનેનો સરવાળો ગણીએ તો લગભગ વીઘાએ ૪૫થી ૫૦ હજાર રૂપિયા ખેડૂતોને મળવા જોઈતા હતા. દેશમાં ઉદ્યોગપતિઓના લગભગ રૂ. ૧૬ લાખ કરોડ કરતાં વધારે રકમના દેવા માફ કરવામાં આવ્યા. જયારે ખેડૂતોના દેવા માફ કેમ નહિ, તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. આ સાથે તેમણે 68 લાખથી વધારે ખેતમજૂરોને પણ રાત આપવાની માગણી સરકાર પાસે કરી હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button