આપણું ગુજરાત

અમિત શાહનો ફેક વિડીયો બનાવવા બાબતે ગુજરાતમાંથી બે ની ધરપકડ

અમદાવાદ: ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહના ફેક વીડિયો મામલે તપાસ ટીમો એક્શનમાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમે અમિત શાહના વીડિયોને એડિટ કરીને ખોટી રીતે વાયરલ કરનારા 2 શખ્સોની ધરપકડ કરી છે. પાલનપુર અને લીમખેડાની સભાના અમિત શાહના વીડિયોને એડિટ કરીને ખોટી રીતે વાયરલ કરનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમિત શાહની સભાના વીડિયોને ખોટી રીતે વાયરલ કરનારની ધરપકડ કરી છે. આરોપીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 2 શખ્સોની ધરપકડ કરી છે. જેઓએ અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યા હતા. જેમાં એક આરોપીનું નામ સતિશ વણસોલા છે, જે જિગ્નેશ મેવાણીનો PA છે. જ્યારે બીજાનું નામ આર.બી બારેયા છે, જે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે.

ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને અનામત નાબૂદ કરવાના નિવેદનને ખોટી રીતે એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસે X હેન્ડલ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, જેણે અમિત શાહના નિવેદનને સંપાદિત કર્યું હતું અને તેને વાયરલ કર્યો હતો. આ કેસમાં દેશભરમાંથી ધરપકડ થઈ રહી છે. રવિવારે 28 એપ્રિલના રોજ દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે FIR નોંધી હતી. આ વીડિયોમાં શાહ એસસી-એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયા હતા. ત્યારે આ એડિટેડ વીડિયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભાજપે આ વીડિયોને લઈને દેશભરમાં FIR નોંધવાનો નિર્ણય લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button