લ્યો! ગુજરાતમા નકલી સાંસદ બની કર્યું 15 હજારનું ઉઘરાણું…
અમદાવાદ: ગુજરાતમાં નકલી ચીજ વસ્તુઓની સાથે સાથે જ સીઆઇડી ઓફિસર, સેન્ટ્રલ એજન્સીનો અધિકારી, નકલી સરકારી અધિકારી સહિત હવે તો નકલી સાંસદ જ મળી આવ્યા છે. આ કિસ્સામાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નામે નકલી સાંસદે રૂપિયા માંગ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને આ અંગે અમદાવાદના શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : અંજાર પાસે ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી જીનસ કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી…
પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના અંજારમાં વરસામેડી રોડ પર આવેલ રિવેરા એલીગન્સમાં રહેનારા મોહિત પ્રભાકરને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેમાં પોતે વિનોદ ચાવડા બોલે છે એમ કહીને ગણપતિ સ્થાપના માટે 15 હજાર મોકલવા કહ્યું હતું. આ પૈસા લેવા માટે બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ આપી હતી. જે બેંક એકાઉન્ટમાં ફરિયાદીએ 15 હજાર ટ્રાન્સફર કર્યા હતા.
બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તેને કોઇ સાંસદ પૈસા માંગે નહીં તેવી શંકા ઉપજતા તપાસ કરતા મોબાઈલ નંબર અમદાવાદના રિતેશ જોષી નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. જેના વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : મુંદરાથી હૈદરાબાદ જતાં ટેન્કરમાંથી અધવચ્ચેથી કાઢી લેવાયું ૩.૨૯ લાખનું હાઇડ્રોકાર્બન ઓઇલ
આ મામલે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર આરોપ કર્યા હતા, તેમણે કહ્યું હતું કે “નકલી અધિકારીઓ, નકલી સહી સિક્કાઓ, નકલી યુનિવર્સિટીઓ, ભૂતિયા શિક્ષકો, ભૂતિયા કોલેજો સહિત બધુ જ નકલી અને ભૂતિયા આ રાજમાં ચાલે છે કારણ કે સરકારમાં બેઠેલા લોકોનું મેળાપીપણું ચાલે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી છે અને ચારેકોર લૂંટ ચાલી રહી છે. આથી જ CMO કે PMOનો અધિકારી પકડાય છે ત્યારે હવે આવતીકાલે કોઇ નકલી CM ન બની જાય તેની ચિંતા છે.