ગુજરાતમાં એન્જિનિયરિંગ બેઠકોમાંથી 72 ટકા બેઠકો પર કોમ્પ્યુટર,આઈટી અને ઈસીનો કબજો…

અમદાવાદ: આશરે બે દાયકા પહેલા ગુજરાતમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ટોપર્સમાં કોમ્પ્યુટર, આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ મુખ્ય પસંદગી હતી. 2025માં, આ ત્રણ શાખાઓ બાકીની 20 એન્જિનિયરિંગ શાખાઓ કરતાં આગળ નીકળી ગઈ છે, જે કુલ એન્જિનિયરિંગ પ્રવેશના 70 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ગુજરાતની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસે પ્રવેશના ત્રણ રાઉન્ડ પછી જાહેર કર્યું કે 80,885 બેઠકોમાંથી 42,565 બેઠકો ભરાઈ છે. આમાંની 31,000 બેઠકો આઈટી, કોમ્પ્યુટર અને ઈસી શાખાઓ દ્વારા ભરાઈ હતી.
કેટલી બેઠકો ભરાઈ
ગુજરાતમાં એન્જિનિયરિંગની ડિગ્રી આપવામાં આવતી હોય તેવી 23 શાખાઓ છે. જેમાં અન્ય ઘણી શાખાઓ તેમની અડધી બેઠકો પણ ભરવા માટે સંઘર્ષ કરી રહી છે. ઉદાહરણ તરીકે, એક સમયે પ્રતિષ્ઠિત ગણાતી સિવિલ એન્જિનિયરિંગ શાખામાં 7950 બેઠકોમાંથી માત્ર 2934 બેઠકો ભરાઈ હતી. જે 37 ટકા પ્રવેશ દર્શાવે છે. મિકેનિકલ એન્જિનિયરિંગ માં તેની 9538માંથી ઉપલબ્ધ બેઠકોમાંથી 3543 પ્રવેશ સાથે 37 ટકા બેઠકો ભરાઈ હતી કેમિકલ એન્જિનિયરિંગમાં થોડી સારી સ્થિતિ હતી. અહીં 54 ટકા પ્રવેશ સાથે 3185 બેઠકોમાંથી 1733 બેઠકો ભરાઈ હતી.
સરકારી કોલેજોમાં ઓફર કરાયેલી 95 બેઠકો ભરાઈ
સૂત્રોએ જણાવ્યું હતું કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઈટી અને ઈસી ટોચના પ્રતિભા આકર્ષક તરીકે જળવાઈ રહ્યા છે. જેની પાછળનું કારણ આઈટી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં ઊંચી માંગ છે. ઉપરાંત ઉદ્યોગના ડિજિટાઈઝેશન માટેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટેલેન્ટની સતતત માંગ રહે છે. હાઈ મેરિટ અને ઓછી ફી ધરાવતી સરકારી કોલેજોમાં ઓફર કરાયેલી લગભગ 90 થી 95 બેઠકો ભરાઈ ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓની નજર કોમ્પ્યુટર અને ઈસી શાખાઓ પર હોય છે. તેઓ અન્ય શાખા પસંદ કરવાને બદલે તેમની પસંદગીની કોલેજોમાં આ બેઠકો ખાલી થવાની રાહ જુએ છે.
સૂત્રોએ જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે કોમ્પ્યુટર એન્જિનિયરોની માંગ વધી છે. રાજ્યમાં 1990 ના દાયકાથી આ એક વલણ રહ્યું છે કે કોમ્પ્યુટર/આઈટી વિદ્યાર્થીઓ માટે પસંદગીની શાખા રહી છે. દાયકાઓથી નિષ્ણાતોની સતત માંગ રહી છે અને હવે એઆઈના આગમન સાથે, તાલીમબદ્ધ કર્મચારીઓની માંગ ઘણી વધારે છે. ગુજરાત સેમિકન્ડક્ટર અને ચિપ મેન્યુફેક્ચરિંગનું હબ બની રહ્યું હોવાથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં રસમાં ઉછાળો આવ્યો છે.