Gujarat માં વીજગ્રાહકોને ૨૦૨૪ માં કેટલા કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી? જાણો વિગત…

Gandhinagar News: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વર્ષ-૨૦૨૪ દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં વીજગ્રાહકોને કુલ સરેરાશ રૂ. ૨૦૦૪ કરોડની રાહત આપવામાં આવી છે.
આ અંગેની વિગતો આપતાં ઊર્જા પ્રધાને જણાવ્યું કે ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ મહિને રાજ્યમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય, તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યૂઅલ ચાર્જ નિયત કરવામાં આવે છે.
રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સોલાર અને વિન્ડ એનર્જીમાં ગુજરાત અગ્રસ્થાને
પ્રધાને જણાવ્યું કે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સોલાર અને વિન્ડ એનર્જીમાં અગ્રસ્થાને છે. છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની કુલ રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૧૫,૪૦૦ મેગાવોટથી વધીને ૩૨,૯૨૪ મેગાવોટ કરવામાં આવી છે. દેશમાં વર્ષ ૨૦૭૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા માટે રિન્યૂએબલ એનર્જી સ્રોતો મારફત ૫૦૦ ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે. જેમાં ગુજરાતનું પણ ૧૦૦ ગીગાવોટ રિન્યૂએબલ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બે વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ની અસરથી યુનિટદીઠ ૫૦ પૈસા, જ્યારે તા. ૧ ઑક્ટોબર, ૨૦૨૪થી ૪૦ પૈસા એમ બે વખત ઘટાડો કરવામાં આવતાં વર્ષ-૨૦૨૪માં વીજગ્રાહકોને કુલ રૂ. ૨૦૦૪ કરોડની સરેરાશ રાહત આપવામાં આવી છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય, ત્યાં સુધી રાજ્યના ૧ કરોડ ૫૦ લાખ વીજગ્રાહકો માટે આ ઘટાડો લાગુ રાખવામાં આવશે.
આ પણ વાંચો : લો-ટેન્શન કેટેગરીના જોડાણ માટે વીજભારની મર્યાદા 150 કિલો વોટ કરાઈ: ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ
રાજ્યના બીપીએલ કાર્ડ ધારકોને વીજબિલના દરોમાં અપાતી રાહત અંગે ઊર્જા પ્રધાને જણાવ્યું કે અન્ય રહેણાક વિસ્તારોના વીજ ગ્રાહકોની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે વીજદરો ઓછા હોય છે. જે મુજબ રહેણાક વિસ્તારના ગ્રાહકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. ૧૫ થી ૭૦ છે, જ્યારે બીપીએલ કાર્ડધારકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. ૫ છે. આ જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ ૫૦ યુનિટદીઠ ચાર્જ રૂ. ૨.૬૫, જ્યારે શહેરી વિસ્તારોમાં પ્રથમ ૫૦ યુનિટના રૂ. ૩.૦૫ની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે પ્રથમ ૫૦ યુનિટ દીઠ રૂ. ૧.૫૦ લેખે વીજ ચાર્જ આકારવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.