આપણું ગુજરાત

ગુજરાતમાં ગંભીરા બ્રિજ પૂર્વે સર્જાઈ છે આઠ મોટી દુર્ઘટનાઓ અનેક લોકોએ જીવ ગુમાવ્યા, છતાં તંત્રએ કોઈ બોધપાઠ ના લીધો

અમદાવાદ : ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ફરી એકવાર તંત્રની પોલ ખોલી નાંખી છે. તેમજ આ દરમિયાન રાજ્યમાં ભૂતકાળમાં બનેલી મોટી દુર્ઘટના પણ ચર્ચામાં આવી છે. આ દુર્ઘટનાઓમાં પણ તંત્રની બેદરકારી જ પ્રકાશમાં આવી છે. તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ નહી બને તેવી હૈયાધારણ આપવામાં આવે છે. પરંતુ તંત્રની બેદરકારીના લીધે નિર્દોષ લોકોના ભોગ લેવાની ઘટનાઓ અટકતી નથી. આવો આવી જ કેટલીક દુર્ઘટના પર નજર કરીએ….

  1. સુરત તક્ષશિલા આગકાંડ (વર્ષ 2019) 22 વિદ્યાર્થીઓના મોત

સુરતમાં વર્ષ 2019માં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા હતા. આ ઘટનામાં ઇમારતમાં ફાયર સેફ્ટીના નિયમોનો સરેઆમ ભંગ થયો હતો. આ આગકાંડ બાદ પણ ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલની માત્ર હૈયાધારણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: પાદરા-જંબુસર ગંભીરા બ્રિજ દુર્ઘટના: 2022 ની ચેતવણીની અવગણના ભારે પડી…

  1. કાંકરિયા રાઈડ દુર્ઘટના (વર્ષ 2019)

અમદાવાદના કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં વર્ષ 2019માં જોયરાઈડ તૂટી પડતાં કેટલાક લોકોના મોત થયા હતા અને ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં રાઈડની જાળવણી અને સુરક્ષા ધોરણો પર ગંભીર સવાલો ઉઠ્યા હતા. તે સમયે પણ જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી.

  1. ભરૂચ હોસ્પિટલ આગકાંડ (વર્ષ 2021) 18 લોકોના મોત

કોવિડ-19ના દર્દીઓ માટે સમર્પિત હોસ્પિટલ ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં વર્ષ 2021માં આગમાં ઓછામાં ઓછા 16 કોવિડ-19 દર્દીઓ અને 2 નર્સો સહિત કુલ 18 લોકોના કરૂણ મોત થયા હતા. આગ હોસ્પિટલના કોરોના વોર્ડમાં લાગી હતી.તેની બાદ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમો અને ઇલેક્ટ્રિકલ ખામીઓ પર સવાલો ઉઠ્યા હતા. આ ઘટના બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ અને કડક નિયમોના પાલન માટે આદેશો આપવામાં આવ્યા હતા.

  1. અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ આગકાંડ (વર્ષ 2020): 8 લોકોના મોત

વર્ષ 2020માં કોવિડ મહામારી દરમિયાન ભરૂચ અને અમદાવાદની હોસ્પિટલોમાં આગ લાગવાથી 8 દર્દીઓના મોત થયા હતા. આ ઘટનાઓએ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ખામીઓને ઉજાગર કરી હતી, અને બંને કિસ્સામાં તપાસ અને કાર્યવાહીના આદેશ અપાયા હતા.

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયોઃ વિપક્ષે સરકારની કાઢી ઝાટકણી

  1. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના (વર્ષ 2022) 130થી વધુ લોકોના મોત

વર્ષ 2022માં જ મોરબીમાં મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં 130થી વધુ લોકોના મોત થયા હતા, જે એક ભયાવહ દુર્ઘટના હતી. પુલના સમારકામ અને જાળવણીમાં વ્યાપક બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી હતી. આ દુર્ઘટના બાદ પણ તપાસ અને કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા.

  1. વડોદરા હરણી બોટ કાંડ (વર્ષ 2024) 14 લોકોના મોત

વડોદરાના હરણી તળાવમાં શાળાના બાળકોને લઈ જતી બોટ વર્ષ 2024માં પલટી જતાં ઘણા માસૂમ બાળકો અને શિક્ષકોના મોત થયા હતા. બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડવા, લાઈફ જેકેટનો અભાવ અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હતું. આ મામલે પણ સરકારે કડક પગલાં લેવાની જાહેરાત કરી હતી.

  1. રાજકોટ ગેમઝોન દુર્ઘટના (વર્ષ 2024) 30 લોકોના મોત

રાજકોટના એક ટીઆરપી ગેમઝોનમાં વર્ષ 2024માં લાગેલી ભીષણ આગમાં 30થી વધુ લોકોના જીવ ગયા હતા. આ ગેમઝોન ગેરકાયદેસર રીતે ચાલતો હોવાનું અને ફાયર સેફ્ટીના કોઈ જ નિયમોનું પાલન ન કરતો હોવાનું બહાર આવ્યું હતું. આ દુર્ઘટના બાદ પણ રાજ્યભરના ગેમઝોન અને આવા સ્થળો પર કડક કાર્યવાહીના આદેશ અપાયા છે.

આ પણ વાંચો: મૃત્યુઆંક હજી પણ વધે તેવી શક્યતા, બચાવ કાર્ય પૂરજોશમાં

મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ દુર્ઘટના 10 લોકોના મોત

જયારે આજે વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 10 લોકોના મોત થયા અને અનેક વાહનો નદીમાં ખાબક્યા. આ બ્રિજની જાળવણી અને ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.તેમજ ફરી એકવાર કડક એકશન લેવાની વાત થઈ રહી છે.

તંત્રએ કોઈ બોધપાઠ ના લીધો

જોકે, ગુજરાત અત્યાર સુધીની દુર્ઘટનામાંઓ તંત્રની ઘોર ઉદાસીનતા પ્રકાશમાં આવી છે. તેમજ અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવ્યા છે. તેમ છતાં તંત્રએ કોઈ બોધપાઠ લીધો હોય તેવું લાગતું નથી માત્ર આશ્વાસન આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button