NIRF 2024 : દેશની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થામાં ગુજરાતની માત્ર બે શિક્ષણ સંસ્થા

નવી દિલ્હી: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF 2024) માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટી (GU)એ એકંદર કેટેગરીમાં ટોપ-100માં સ્થાન મેળવ્યું છે. જો કે આ વર્ષના ઓવરઓલ રેન્કિંગમાં આ બંને સંસ્થાઓના રેન્કિંગમાં ઘટાડો થયો છે. વર્ષ 2023ની સરખામણીમાં 2024માં IIT ગાંધીનગરના રેન્કિંગમાં પાંચ સ્થાનનો ઘટાડો થયો છે. 2023માં IIT ગાંધીનગરનું રેન્કિંગ 24મું હતું. જ્યારે 2024માં તે 29મું છે.
ગુજરાત યુનિવર્સિટીની રેન્કિંગ ઘટાડામાં હેટ્રિક
ગુજરાત યુનિવર્સિટીના રેન્કિંગમાં સતત ત્રીજા વર્ષે ઘટાડો થયો છે. વર્ષ 2023ની સરખામણીમાં 2024માં ગુજરાત યુનિવર્સિટીના રેન્કિંગમાં 9 સ્થાનનો મોટો ઘટાડો થયો છે. જે વર્ષ 2023માં 85મું, 2022માં 73મું, 2021માં 62મું અને 2024માં 94મા ક્રમે છે. આ સ્થિતિ છે જ્યારે ગુજરાત યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે એમઓયુ કરી રહ્યું છે.
ગુજરાત યુનિવર્સિટી 100 માંથી માત્ર 17.53 માર્ક મેળવ્યા
રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ (RPC) કેટેગરીમાં, ગુજરાત યુનિવર્સિટી 100 માંથી માત્ર 17.53 માર્ક મેળવ્યા છે. ગ્રેજ્યુએશનના પરિણામમાં 81.99 માર્કસ અને ટીચિંગ, લર્નિંગ અને રિસોર્સિસમાં 67.97 માર્ક્સ મેળવ્યા છે. આવી સ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી 48.16ના એકંદર સ્કોર સાથે 94મા સ્થાને છે.
IIT ગાંધીનગર પાસે 58.77નો સ્કોર
IIT ગાંધીનગર સંશોધન અને વ્યવસાયિક પ્રેક્ટિસ (RPC)અને ધારણાની દ્રષ્ટિએ પણ પાછળ છે. આરપીસીમાં સંસ્થાએ 100માંથી 41.53 ગુણ, પર્સેપ્શનમાં 24.82 માર્ક્સ, ગ્રેજ્યુએશન પરિણામમાં 69.97 માર્ક્સ અને ટીચિંગ, લર્નિંગ અને રિસોર્સિસમાં 76.40 માર્ક્સ મેળવ્યા છે. આવી સ્થિતિમાં IIT ગાંધીનગર 58.77ના એકંદર સ્કોર સાથે 29મા ક્રમે છે.
રેન્કિંગ સુધારવા પ્રયાસ
ગુજરાત યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે અમે છેલ્લા પાંચ વર્ષથી સતત ટોપ-100માં અમારું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છીએ. અમે અમારી નબળાઈઓને ઓળખવા અને તેને સુધારવાનો સતત પ્રયાસ પણ કરીએ છીએ.
IIT એન્જિનિયરિંગમાં 18મા સ્થાને છીએ
રેન્કિંગ અંગે ટિપ્પણી કરતાં IITગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. રજત મૂનાએ જણાવ્યું હતું કે સંસ્થાએ કેટેગરીમાં 29મો રેન્ક મેળવ્યો છે. આ સંસ્થા એન્જિનિયરિંગ કેટેગરીમાં 18મા ક્રમે છે.