ગુજરાતમાં સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં કોમ્પ્યુટરની અછતઃ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં શિક્ષણનુ સ્તર નીચું જઈ રહ્યુ હોય તેવો ચિત્ર ઉપસી રહ્યુ છે. રાજયની જુદી જુદી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં કોમ્પ્યુટર અને આઇટી બ્રાન્ચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પુરતા કોમ્પ્યુટર ન હોવાના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓની રજૂઆતના આધારે કેટલીક કોલેજના પ્રિન્સિપાલ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોમ્પ્યુટર આપવા અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો ન હોવાનું જણાવ્યુ છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સરકારી પોલીટેકનીક કોલેજોમાં આઇટી અને કોમ્પ્યુટર બ્રાન્ચમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ માટે જરૂરિયાતના પ્રમાણમાં કોમ્પ્યુટર ઉપલબ્ધ નથી અને જે કોમ્પ્યુટર છે તે જૂના થઇ ચુક્યા હોવાથી નવા લેવા પડે તેમ છે. નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ આ મુદ્દે જે તે સરકારી કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરે છે. પ્રિન્સિપાલ આ મુદ્દે ટેકનિકલ શિક્ષણ વિભાગ અથવા તો ઉચ્ચ શિક્ષણ વિભાગમા રજૂઆત કરે છે.
પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અમદાવાદ કે મોટા શહેરોમાં આવેલી સરકારી કોલેજોમાં અમુક કોમ્પ્યુટરના કારણે કામગીરી ચાલી રહી છે પણ અંતરિયાળ વિસ્તારમાં આવેલી સરકારી કોલેજોમા કોમ્પ્યુટરના અભાવે વિદ્યાર્થીઓને અનેક પ્રકારની મુશ્કેલી નડી રહી છે. કેટલીક કોલેજોમાં કોમ્પ્યુટર ન હોવાના કારણે વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ રદ કરવા પડે અથવા તો મોડા કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. આ મુદ્દે સરકાર દ્વારા તાકીદે સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં આઇટી અને કોમ્પ્યુટર બ્રાન્ચમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વહેલીતકે પુરતી સંખ્યામાં કોમ્પ્યુટર આપે તેવી માંગણી પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર તેમના બજેટમાં સૌથી વધુ રકમ માત્ર એજ્યુકેશન પાછળ ખર્ચે છે આમ છતાં શિક્ષણનું સ્તર સાવ પથરી રહ્યુ છે. બીજીતરફ ગુજરાતની 3017 સ્કૂલો એવી છે કે જેમાં કોમ્પ્યુટર લેબની કોઈ સુવિધા જ નથી.