ભચાઉ નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો નોંધાયો
ભુજ: ભૂકંપ ઝોન-૫મા સમાવાયેલા કચ્છમાં વિનાશક ધરતીકંપ આવ્યાના ૨૨ વર્ષે પણ ભૂગર્ભીય સળવળાટ સતત જારી રહ્યો છે. સેકન્ડ સમરની અકળાવનારી ગરમી વચ્ચે શુક્રવારે સવારના ૬ અને ૨૭ મિનિટે વાગડ ફોલ્ટલાઇનમાં ઉદભવેલા ૨.૭ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકાએ કચ્છની અશાંત ધરાને વધુ એકવાર ધ્રુજાવતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
મધ્યમ કક્ષાના કંપન અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, પૂર્વ કચ્છના તાલુકા મથક રાપરથી ૧૯ કિલોમીટર દૂર કુડા ગામ તરફ પશ્ચિમ-દક્ષિણ દિશાએ કેન્દ્રબિંદુ ધરાવતો આ આંચકો રિક્ટર સ્કેલ પર અંકિત થયો હતો.આંચકાની અનુભૂતિ કેન્દ્રબિંદુ આસપાસના સીમાવર્તી વિસ્તારમાં વિશેષ અનુભવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સદીઓથી કચ્છની અશાંત રહેલી ભૂમિને સતત ધ્રુજાવી રહેલા ધરતીકંપના આંચકાઓના કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસના જ રહ્યા છે જેમાં ભચાઉ, ફતેહગઢ,રાપર,કરમરીયા અને પ્રાચીન નગર ધોળાવીરાનો સમાવેશ થાય છે.