Gujarat માં ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાની ચર્ચા, સામે આવ્યો આ ખૂલાસો

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)એક તરફ નકલી અધિકારીઓ અને ઓફિસો મળી રહી છે. તેવા સમયે હવે નકલી ગોંડલ સ્ટેટ(રાજા) અને યુવરાજ પણ ફરી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ બાબતે ગોંડલના અસલી યુવરાજના ધ્યાને આવતા તેમણે ખુલાસો કર્યો છે.
કાર્યક્રમમાં અસલી ગોંડલ સ્ટેટ હાજર રહ્યા નથી
ગોંડલના નકલી રાજા અને યુવરાજ લઇને ઉભા થયેલા વિવાદમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ગોતા ક્ષત્રિય સંમેલનમાં ગોંડલ સ્ટેટના નામે નકલી યુવરાજ હાજર રહ્યા હોવાની બાબત સામે આવી છે. આ સંમેલનમાં 9 પેઢીથી છુટ્ટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ જાડેજા ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે હાજર રહ્યા હતા. આ અંગે ગોંડલ સ્ટેટના યુવરાજ રાજેન્દ્રસિંહ જાડેજાએ ખુલાસો કરીને જણાવ્યું છે કે કોઈ સંમેલનમાં કે કાર્યક્રમમાં અસલી ગોંડલ સ્ટેટ હાજર રહ્યા નથી.
ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુસિંહજી એક માત્ર અસલી રાજા છે.
યદુવેન્દ્રસિંહ જાડેજા 9 પેઢીથી છુટ્ટા પડેલા ભાયાત છે
તેમણે વધુમાં જણાવ્યું કે અમને સોશિયલ મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે. રાજ્યમાં અનેક કાર્યકમોમાં નકલી ગોંડલ સ્ટેટ, યુવરાજ કે રાજાના નામે વ્યક્તિ હાજરી આપે છે. તેમજ અનેક કાર્યક્રમોમાં ગોંડલ સ્ટેટના નામનો ઉલ્લેખ હોય છે પણ આવું કોઇ આમંત્રણ અમને મળ્યું નથી. તેમજ હમણાં તાજેતરમાં અમદાવાદના ગોતા ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. જેમાં ગોંડલ સ્ટેટ અને યુવરાજ સાહેબનો ઉલ્લેખ હતો. ત્યારે ગોંડલ સ્ટેટના યુવરાજે ખુલાસો કરતાં જણાવ્યું છે કે યદુવેન્દ્રસિંહ જાડેજા 9 પેઢીથી છુટ્ટા પડેલા ભાયાત છે. જેમનું ગામ દાળિયા અને ભેજા છે. રાજવી સમયમાં તેમના પૂર્વજોને એ ગામ આપવામાં આવ્યા હતા. તે હાલ ત્યાંના નિવાસી છે.
યદુવેન્દ્રસિંહ જાડેજા જોડે કોઇ લેવાદેવા નથી
અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે કે તેવો અનેક જગ્યાઓએ પોતાને ગોંડલ સ્ટેટ, યુવરાજ કે ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ તરીકે ઓળખાવે છે. ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે ગોંડલ સ્ટેટને યદુવેન્દ્રસિંહ જાડેજા જોડે કોઇ લેવાદેવા નથી. તેમજ તે ગોંડલ સ્ટેટ કે યુવરાજ નથી. ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુસિંહજી એક માત્ર અસલી રાજા છે.