ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં આટલા કરોડ પશુઓને ખરવા-મોવાસાની રસી અપાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં વર્ષ 2002-03 દરમિયાન પશુઓમાં 161 પ્રકારના રોગચાળા નોંધાયા હતા, જેની સામે વર્ષ 2023-24માં માત્ર 29 પ્રકારના પશુ રોગચાળા અને વર્ષ 2024-25ના પ્રથમ ત્રિ-માસિક ગાળામાં માત્ર ચાર પ્રકારના પશુ રોગચાળા નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1.54 કરોડ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એવું પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામના ભાગરૂપે ગુજરાતમાં ચોથા રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 154 લાખ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ખરવા-મોવાસા ઉપરાંત રાજ્યમાં બૃસેલ્લોસિસ રોગ (ચેપી ગર્ભપાત) સામે પણ રસીકરણની કામગીરીના બે રાઉન્ડ પૂર્ણ થયા છે. બૃસેલ્લોસિસ રસીકરણના ત્રીજા રાઉન્ડની રસીકરણની કામગીરી માટે ભારત સરકાર દ્વારા 7.56 લાખ રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જેની સામે રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 5.53 લાખ પશુઓમાં રસીકરણ પૂર્ણ થયું છે. ભારત સરકારના પી.પી.આર. રસીકરણ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 6 માસમાં કુલ 44 લાખ ઘેટાં-બકરાંનું પણ રસીકરણ કરી પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં બિલ્ડરો પર તવાઈઃ એક હજારથી વધુ ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ
રાઘવજી પટેલે કહ્યું કે, પશુ રોગોના નિયંત્રણ માટે રાજ્યોને સહાય આપવાની યોજના હેઠળ ગુજરાતના 62 લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ કરવામાં આવ્યું છે. સાથો સાથ ગળસૂંઢો જેવા જીવલેણ ચેપી રોગ સામે પશુઓમાં રસીકરણ માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે પશુધનને કૃમિનાશક સારવાર હેઠળ વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 88.75 લાખ મોટા પશુઓને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈયર ટેગીંગમાં 246 લાખ મોટા પશુઓ અને 11 લાખ ઘેટાં-બકરા મળીને કુલ 257 લાખ પશુઓનું ઈયર ટેગિંગ કરીને તેમને ઓળખ આપવામાં આવી છે. સાથે જ ગત 6 મહિના દરમિયાન રાજ્યના 3 લાખથી વધુ પશુઓની તેમજ ઘેટા બકરાના ટોળાની ભારત પશુધન પોર્ટલ પર નોંધણી કરવામાં આવી છે,.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પશુધન માટેની સુદ્રઢ પશુ આરોગ્ય સેવાઓ, સઘન પશુ રસીકરણ, કૃમિનાશક સારવાર ઝુંબેશ અને રોગ નિયંત્રણ માટે રાજ્ય સરકારે છેલ્લા બે દાયકામાં કરેલી કામગીરીના પરિણામે પશુઓમાં ચેપી રોગચાળામાં ધરખમ ઘટાડો થયો છે.