
ધોળકા: આજે મંગળવારે વહેલી સવારે અમદાવાદ જિલ્લાના ધોળકામાં બનેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા, જયારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા શહેરમાં એક એસયુવીએ રોડ કિનારે પાર્ક કરેલા ડમ્પરને ટક્કર મારી હતી. અહેવાલો મુજબ આ ઘટના સવારે પાંચ વાગ્યાના અસરમાં બની હતી
માહિતી મળતાં જ સ્થાનિક ધોળકા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ સ્થળ પર હાજર એક પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે એસયુવી કાર બોટાદથી દાહોદ તરફ જઈ રહી હતી.
દરમિયાન સવારે 5 વાગ્યાના સુમારે પુરપાટ વેગે જઈ રહેલી SUV કારે રોડ કિનારે પાર્ક કરેલા ડમ્પરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, પોલીસે મૃતદેહોને કારમાંથી બહાર કાઢવા કાર્યવાહી શરુ કરી હતી.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક મહિલા અને એક પુરુષને અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે.