અમદાવાદ નજીક હવે પ્લેન પણ બનશે, એરોસ્પેસ સેક્ટરમાં વધશે ગુજરાતનો દબદબો…

અમદાવાદઃ ગુજરાતમાં ટૂંક સમયમાં વિમાન બનવાનું શરૂ થશે. 100 સીટરના વિમાન બનાવવા માટે સરકારે ધોલેરામાં જમીન ફાળવવાનું નક્કી કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અંગેની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે. જે દેશની પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનશે.
કેમ મળ્યો ગુજરાતને આ પ્રોજેક્ટ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતે આ પ્રોજેક્ટ ધોલેરામાં લાવવા મજબૂત રજૂઆત કરી હતી. તે અંગેનો નિર્ણય લેવાઈ ગયો છે. ગુજરાતની રેલ, રોડ અને એર કનેક્ટિવિટી તેમજ રાજ્ય સરકારની ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓએ આ પ્રોજેક્ટ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ક્યારથી શરૂ થશે ઉત્પાદન
આ વિમાન અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને વૈશ્વિક એરોસ્પેસ દિગ્ગજ કંપની એમ્બ્રેયર વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા બનાવવામાં આવશે. જમીન સંપાદન અને અન્ય મંજૂરીઓ સંબંધિત પ્રક્રિયાઓ આ વર્ષના અંતમાં શરૂ થવાની અપેક્ષા છે, જ્યારે ઉત્પાદન ચારથી પાંચ વર્ષમાં શરૂ થવાની સંભાવના છે. આ વિકાસથી ભારતના રિજનલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રોગ્રામને મોટો વેગ મળવાની અપેક્ષા છે. ઉડાન જેવી પહેલથી ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં હવાઈ મુસાફરીનો કાયાકલ્પ થઈ રહ્યો છે, ત્યારે મજબૂત સ્વદેશી પ્રાદેશિક ઉડ્ડયન ઇકોસિસ્ટમની જરૂરિયાત ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને પ્રોત્સાહન આપી રહ્યા છે, અહીં માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ, મેન્ટેનન્સ-રિપેરિંગ અને ઓવરહોલિંગ સુવિધા, ગ્રીનફિલ્ડ પોર્ટ, સ્માર્ટ અર્બન ટાઉનશિપ, રેલવે કનેક્ટિવિટી અને મજબૂત ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. વિમાન ઉત્પાદનની આ પહેલ ‘આત્મનિર્ભર ભારત’ મિશન અને ઉડાન વિઝન સાથે સુસંગત છે.
પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકે્ટ છે
ધોલેરા પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગત વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધોલેરામાં ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક કેન્દ્ર, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (DSIR)નું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અમદાવાદથી લગભગ 100 કિલોમીટર દક્ષિણમાં અને રાજ્યની રાજધાની ગાંધીનગરથી 134 કિલોમીટર દૂર આવેલું છે. ઔદ્યોગિકીકરણ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણના આધારે વિકસાવવામાં આવી રહેલા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર તરીકે જોવામાં આવે છે.



