શું વિકાસ સહાય ગુજરાતી છે? નિવૃત્તિથી લઈને ગોધરાકાંડ સુધીની સફર છે રોચક, જાણો તેમની કારકિર્દીના અજાણ્યા પાસાંઓ!

ગાંધીનગર: ગુજરાત રાજ્યના વર્તમાન પોલીસ વડા વિકાસ સહાય આજે 30 જૂનના રોજ વય નિવૃત્ત થવાના હતા. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા તેમને ૬ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ગુજરાત કેડરના ૧૯૮૯ બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાય ૩૦ જૂનના રોજ વય નિવૃત્ત થવાના હતા, ત્યારે વિકાસ સહાય ૩૧ ડિસેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે.
કેન્દ્ર સરકારે તેમણે છ મહિનાનું એક્સટેન્શન આપ્યું
ઉલ્લેખનીય છે કે ૩૦ જૂનના રોજ રાજ્યના વર્તમાન પોલીસ વડા વિકાસ સહાય વય નિવૃત્ત થવાના હતા. તેમની વિદાયની તૈયારીઓની વચ્ચે જ કેન્દ્ર સરકારે તેમણે છ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. આથી પોલીસ વડા વિકાસ સહાય હવે આગામી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ડીજીપી પદની ફરજ બજાવશે. તેમની નિવૃતિની ચર્ચાની વચ્ચે હવે ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવશે એને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી. અનેક પોલીસ અધિકારીના નામની આ પદ માટે ચર્ચા શરૂ થઈ હતી. જો કે હવે સરકારની આ નિમણૂકથી આવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

શું વિકાસ સહાય ગુજરાતી છે?
પોલીસ વડા વિકાસ સહાયનું વતન બિહાર છે. રાજ્યના પ્રામાણિક અધિકારીઓમાં તેમની ગણતરી થાય છે. વિકાસ સહાય વર્ષ ૧૯૯૯માં આણંદ જિલ્લાના એસપી બન્યા હતા. ત્યારબાદ ૨૦૦૧માં અમદાવાદ ગ્રામ્યમાં એસપી પદે તેમની નિમણૂક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બહુચર્ચિત ગોધરાકાંડ દરમિયાન પણ તેઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા; તે સમયે તેમને અમદાવાદમાં ડીસીપી પદે તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૨૪માં અમદાવાદમાં જ ટ્રાફિક ડીસીપી અને ૨૦૦૫માં એડિશનલ ટ્રાફિક સીપી બનાવવામાં આવ્યા હતા. તેઓ સુરતમાં એડિશનલ સીપી પદે પણ નિયુક્ત થયા હતા, અને આ ઉપરાંત સીઆઇડીના આઈજી પણ રહ્યા હતા.
રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં આપી છે મહત્ત્વપૂર્ણ સેવા
વિકાસ સહાય અગાઉ રક્ષાશક્તિ યુનિવર્સિટી, કરાઈ પોલીસ એકેડમી સહિત વિવિધ મહત્ત્વપૂર્ણ પદો પર ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ રાજ્યના પૂર્વ પોલીસ વડા આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ ડીજીપી બન્યા હતા. તેમની સેવા દરમિયાન તેઓ નિર્વિવાદ રહ્યા છે, જોકે તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સીઆઇડી ક્રાઇમ તપાસ ચર્ચાનો વિષય બની હતી.

જોકે, ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ તેમણે રાજ્યના પોલીસ વડાનો ચાર્જ સાંભળ્યો હતો અને આ સમયે તેમની સામે ગુજરાત પોલીસની છબી સુધારવા અને સિસ્ટમને સુવ્યવસ્થિત બનાવવાનો બેવડો પડકાર હતો. રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વિકાસ સહાય છેલ્લા એક દાયકાથી વહીવટી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે.
સેવાકાળમાં વધારો મેળવનારા ત્રીજા ડીજીપી
નોંધનીય છે કે, જો વિકાસ સહાયને એક્સટેન્શન મળતા હવે તેઓ ત્રીજા ડીજીપી બની ગયા છે કે જેમને આ પ્રકારે સેવાકાળમાં વધારો મળ્યો હોય. અગાઉ, આઇપીએસ શિવાનંદ ઝા કોરોના કાળ દરમિયાન લાંબા સમય સુધી ડીજીપી રહ્યા હતા અને તેમને પણ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેમણે કોરોના મહામારી દરમિયાન પોલીસને ખડેપગે રાખીને પ્રશંસનીય કામગીરી કરી હતી. તેમના બાદ આઇપીએસ આશિષ ભાટિયાને ડીજીપી બનાવવામાં આવ્યા હતા, અને તેમને પણ નવી ગાઈડલાઈન પ્રમાણે 2 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ એક્સટેન્શન મળ્યું હતું.
