Ambaji ભાદરવી પૂનમના મેળામાં બાળ સહાયતા કેન્દ્રે ગુમ થયેલા 42 બાળકોનું પુનઃમિલન કરાયું

અંબાજીઃ વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji) ભાદરવી પૂનમના મેળામાં ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેમાં અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવતા હોય છે. મેળા દરમિયાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે.
બાળ સહાયતા કેન્દ્રે 42 બાળકોનું પુનઃમિલન કરાયું
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ સહિત ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આજ દિન સુધી આ બાળ સહાયતા કેન્દ્રો પરથી 5000 જેટલા બાળકોને તેમના નામ, સરનામાં, ઇમર્જન્સી મોબાઈલ નંબર લખીને આઈકાર્ડ પહેરાવવામા આવ્યા છે. જેની મદદથી બાળકો ગુમ થયાના કિસ્સામાં વાલીની ઝડપથી શોધ કરી શકાય છે. જિલ્લા બાળ સહાયતા કેન્દ્ર દ્વારા મેળા દરમિયાન આજ દિન સુધી 42 જેટલાં બાળકોને તેમના વાલી સાથે મિલન કરાવી શકાયું છે.
પગરખા મૂકવા વ્યવસ્થા
શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે આવતા લાભાર્થીઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે, તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહી આ કેન્દ્રમાં લાખો માઇ ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માઇ ભક્તો આધ્યાત્મિકતા સાથે દર્શન કરીને ધન્યતાની અનુભતી કરી રહ્યા છે.