દેશના ૮૦ ટકા એરંડાનું ઉત્પાદન થાય છે ગુજરાતમાં, લઘુત્તમ ટેકાના ભાવની ખરીદીમાં સમાવેશ કરવાની માંગ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

દેશના ૮૦ ટકા એરંડાનું ઉત્પાદન થાય છે ગુજરાતમાં, લઘુત્તમ ટેકાના ભાવની ખરીદીમાં સમાવેશ કરવાની માંગ

ગાંધીનગરઃ ગુજરાત દેશના ૮૦ ટકા એરંડાનું ઉત્પાદન કરે છે. તાજેતરમાં, રવી પાક પરના રાષ્ટ્રીય સંમેલનમાં ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે એરંડાને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) યોજનામાં સામેલ કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી. તેમણે કૃષિ ક્ષેત્રને લગતા અનેક મુદ્દાઓ પણ રજૂ કર્યા. નવી દિલ્હી ખાતે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ ‘વન નેશન, વન એગ્રીકલ્ચર, વન ટીમ’ની થીમ પર “નેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર ફોર રબી કેમ્પઇન-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.

વિકસિત રવિ કૃષિ સંકલ્પ અભિયાન યોજાશે

આ સંમેલનમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી તા. ૩ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રવ્યાપી “વિકસિત રવિ કૃષિ સંકલ્પ અભિયાન” યોજાશે. જે દેશના ખેડૂતોની જમીનનું સ્વાસ્થ્ય જાળવીને ખેત ઉત્પાદકતા વધારવા તેમજ પ્રાકૃતિક કૃષિને વેગ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે.

આ પણ વાંચો : દેશમાં એરંડાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો 81 ટકાથી વધુ ફાળો…

ગુજરાતમાં ૯૭ ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ

આ કોન્ફરન્સમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ગુજરાતના કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અને રવી પાકના વિવિધ અંદાજો રજૂ કર્યા હતા. સાથે જ, ગુજરાતમાં આ વર્ષે થયેલા કૃષિ વિકાસ, પાકની સ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના પગલાં પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી અત્યાર સુધીમાં સામાન્ય વાવેતર વિસ્તારની દ્રષ્ટીએ ૯૭ ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ છે. જ્યારે, બાકીના વિસ્તારમાં એરંડા અને તમાકુનું વાવેતર ચાલી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં પાકની સ્થિતિ એકંદરે સારી છે અને આ વર્ષે પણ સારા ઉત્પાદનની અપેક્ષા છે. આ ઉપરાંત સારા વરસાદના પરિણામે રાજ્યના તમામ જળાશયો સંપૂર્ણ ભરાયા છે. જેના કારણે રવિ અને ઉનાળુ પાકનું સારું વાવેતર થવાની અને સારું ઉત્પાદન મળવાની આશા છે.

આ પણ વાંચો : કેસર કેરીની સત્તાવાર સીઝનની થઈ શરૂઆત, જાણો બોક્સનો કેટલો બોલાયો ભાવ

૮૫ હજાર હેક્ટરથી વધુ વિસ્તારનું રજિસ્ટ્રેશન

તેમણે ભારત સરકારને સૂચન કરતા કહ્યું હતું કે, પ્રમાણિત બીજ કૃષિ માટે ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં ખરીફ-૨૦૨૫ સીઝનથી “સાથી” પોર્ટલ પર સર્ટિફિકેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક શરૂ કરાઈ છે, જેમાં અત્યાર સુધી ૮૫ હજાર હેક્ટરથી વધુ વિસ્તારનું રજિસ્ટ્રેશન થયું છે. બીજનું રિવેલીડેશન ઓછામાં ઓછું બે વાર કરવાની અને રિવેલીડેશન માટે બીજ ટેસ્ટિંગ સરકારી કે માન્યતા પ્રાપ્ત લેબમાં જ કરવાની મંજૂરી આપવા પ્રધાને વિનંતી કરી હતી.

આ પણ વાંચો : માવઠાની માઠી અસર: ઉત્તર ગુજરાતમાં એરંડાના ઉત્પાદનમાં 25 ટકા સુધી ઘટાડાની શક્યતા

થમ્બ સ્કેનર પૂરા પાડવા માટે સૂચન કર્યું

આ ઉપરાંત તેમણે ખાતર વિતરણ સંસ્થાઓને POS મશીનને બદલે ડેસ્કટોપ કમ્પ્યુટર અને થમ્બ સ્કેનર પૂરા પાડવા માટે સૂચન કર્યું હતું, જેથી ખાતરનું વિતરણ ઝડપી અને સરળ બની શકે. આ કોમ્પ્યુટરનો ઉપયોગ અન્ય સરકારી યોજનાઓ માટે પણ થઈ શકે છે. નેટવર્ક ન હોય ત્યારે ઓફલાઇન ડેટા એન્ટ્રી કરવાની સુવિધા વિકસાવવા માટે પણ પ્રધાને અનુરોધ કર્યો હતો.

એરંડાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે

ટેકાના ભાવે ખરીદી અંગે સૂચન કરતા પ્રધાને કહ્યું હતું કે, ભારતમાં સૌથી વધુ એટલે કે, ૮૦ ટકા એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. સીઝન દરમિયાન ઘણીવાર એરંડાના બજાર ભાવ ઓછા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. જેથી કૃષિ ક્ષેત્ર અને આર્થિક દ્રષ્ટીએ મહત્વપૂર્ણ એરંડાના પાકને લઘુત્તમ ટેકાના ભાવની (MSP) યોજનામાં સામેલ કરવા માટે કૃષિ પ્રધાને ભારત સરકારને ભલામણ કરી હતી. વધુમાં, મગફળી, ચણા અને સોયાબીન પાકના ઉત્પાદનના ૨૫ ટકાને બદલે ૫૦ ટકા ઉત્પાદનની MSP હેઠળ ખરીદી કરવાની જોગવાઈ કરવા પણ પ્રધાને સૂચન કર્યું હતું.

ખેડૂત નોંધણી ફરજિયાત કરવાનું પણ સૂચન

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ રેકોર્ડબ્રેક રાજ્યના ૯ લાખથી વધુ ખેડૂતોએ મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે અરજી કરી છે. જેથી ખરીફ સીઝનમાં POS મશીન વગર જ MSP હેઠળ મગફળીની ખરીદી કરવા પણ પ્રધાને વિનંતી કરી હતી. આ ઉપરાંત તેમણે ખેડૂતોની નોંધણી વધારવા માટે કૃષિ વિભાગની યોજનાઓનો લાભ લેતી વખતે ખાતર ખરીદતી વખતે અને KCC હેઠળ કૃષિ લોન લેતી વખતે ખેડૂત નોંધણી ફરજિયાત કરવાનું પણ સૂચન કર્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button