આપણું ગુજરાત

ગુજરાતમાં મતદાર યાદી તૈયાર ન થતા ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછી ઠેલાવાની શક્યતા

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજાવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. પરિણામે અમદાવાદ સહિત રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, 80 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 180થી વધુ તાલુકા પંચાયતોમાં તાત્કાલિક સમયગાળા માટે વહીટદાર રાજ લાગુ થવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.

વસ્તી ગણતરીના આધારે બેઠકો ફાળવવાની પ્રક્રિયા હજી બાકી

આ અંગે સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સીમાંકન, અનામત બેઠકોનું પુનઃનિર્ધારણ અને મતદાર યાદીની અંતિમ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. ખાસ કરીને આ વખતે 27 ટકા ઓબીસી અનામતના અમલ અને વસ્તી ગણતરીના આધારે બેઠકો ફાળવવાની પ્રક્રિયા હજી પૂર્ણ ન થતાં ચૂંટણીની સમયરેખા આગળ લંબાતી જાય છે. નવરચિત મહાનગરપાલિકાઓમાં વોર્ડ રચના અને વહીવટી માળખું ગોઠવવામાં પણ નોંધપાત્ર સમય લાગી રહ્યો છે.

વહીવટી સૂત્રોના જણાવ્યા મુજબ, હાલની ચૂંટાયેલી પાંખોની મુદત પૂર્ણ થતા જ રાજ્ય સરકાર દ્વારા આ તમામ સંસ્થાઓમાં કલેક્ટર અથવા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ દરમિયાન નીતિગત અને વિકાસલક્ષી મોટા નિર્ણયો પર અણૌપચારિક બ્રેક લાગશે, જ્યારે રોજિંદા અને આવશ્યક વહીવટી કામકાજ અધિકારીઓના હસ્તક ચાલતું રહેશે.

અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી

પરિસ્થિતિને વધુ જટિલ બનાવતું એક મહત્વનું પરિબળ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલો મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ છે. હાલ ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં આ વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યની તમામ 17 મહાનગરપાલિકા, 80 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને લગભગ 180 તાલુકા પંચાયતોની ચૂંટણી નવી અને અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ જ યોજી શકાય તેવો કાનૂની બંધારણ છે.

ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર, મતદાર યાદીમાંથી નામ કમી કરવા કે સુધારવા સંદર્ભે આવેલી અરજીઓ પર હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે અને 17 ફેબ્રુઆરીએ સુધારેલી મતદાર યાદી જાહેર થવાની છે. ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવી શક્ય નથી. આ ઉપરાંત ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ તેમજ ત્યારબાદ શાળાઓની આંતરિક પરીક્ષાઓ શરૂ થતી હોવાથી ચૂંટણી આયોજન વધુ મુશ્કેલ બન્યું છે.

મતદાતાઓએ હજુ રાહ જોવી પડે તેવી સ્થિતી સર્જાઈ

આ તમામ પરિસ્થિતિ વચ્ચે 9 માર્ચના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તમામ જિલ્લાકક્ષાના કલેક્ટરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ચૂંટણીના સંભવિત સમયપત્રક, વહીવટદાર રાજની અવધિ અને તબક્કાવાર ચૂંટણી અંગે ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રોનું માનવું છે કે એપ્રિલના અંત ભાગમાં અથવા મેના પ્રથમ પખવાડિયામાં તબક્કાવાર રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની દિશામાં વિચાર થઈ શકે છે. આમ ‘મિની વિધાનસભા’ તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ માટે ઉમેદવારો અને મતદાતાઓએ હજુ રાહ જોવી પડે તેવી સ્થિતી સર્જાઈ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button