મેઘરાજાની મહેરથી ગુજરાતમાં સિઝનનો 43.76 ટકા વરસાદઃ 25 જળાશય હાઈ એલર્ટ પર!

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી મેઘમહેર યથાવત છે, જેમાં જૂન મહિનાની સાથે સાથે જુલાઈના પહેલા અઠવાડિયામાં સમગ્ર ગુજરાતને ચોમાસાએ આવરી લીધું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 43.76 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. અહી છેલ્લા ૨૪ કલાકમાં જ ૨૬.૬૫ મીમી જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૭૦૬.૩૩ મીમી એટલે કે સરેરાશ ૪૭.૪૧ ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના ૨૯ ડેમ હાઇ એલર્ટ પર
તે સિવાય સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડ્યો છે, અહી સિઝનનો સરેરાશ ૪૩.૭૧ ટકા વરસદ પડ્યો છે તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં ૪૨.૪૨ ટકા, કચ્છમાં ૪૧.૭૮ ટકા તેમ જ ઉત્તર ગુજરાતમાં ૩૯.૧૫ ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં પડી રહેલા વરસાદને પગલે જળાશયોમા પણ પાણીની નવી આવક મહત્તમ થઈ છે. અવિરત વરસી રહેલા વરસાદથી ૨૦ ડેમ સંપૂર્ણ ભરાય ગયા છે, જ્યારે ૨૯ ડેમ હાઇ એલર્ટ પર છે.
સૌરાષ્ટ્રના ૨૫ જળાશય હાઇ એલર્ટ પર
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર ૪૩ જેટલા ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે ભરાયેલા છે. ૪૯ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા સુધી ભરાયેલા છે, ૪૬ ડેમ ૨૫ ટકાથી ૫૦ ટકા સુધી ભરાયેલા છે, જ્યારે ૪૮ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે.
રાજ્યના જે ૨૯ ડેમ હાઇ એલર્ટ પર છે, તેમાં સૌરાષ્ટ્રના ૨૫ જળાશયોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ૧૭ ડેમ એલર્ટ પર અને ૧૭ ડેમ વોર્નિંગ પર છે. રાજ્યમાં વરસાદની આગાહીને પગલે ૧૦મી જુલાઇ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે