ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં ગુંજ્યો 'નંદ ઘેર આનંદ ભયો'નો નાદ! દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ધામધૂમપૂર્વક નાથના વધામણા...
આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં ગુંજ્યો ‘નંદ ઘેર આનંદ ભયો’નો નાદ! દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ધામધૂમપૂર્વક નાથના વધામણા…

દ્વારકા: ભગવાન શ્રીકૃષ્ણના 5252માં અવતરણ પર્વ ગોકુળ આઠમની ગુજરાત સહીત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ જન્માષ્ટમીની ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતના મુખ્ય કૃષ્ણ મંદિરો જેવા કે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

જગત મંદિરમાં નાથના જન્મની ભક્તિભાવપૂર્વક ઉજવણી
દ્વારકાનાં જગતમંદિરમાં મધરાતે 12 વાગે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી શરૂ થઈ હતી. બરાબર 12ના ટકોરે જગતમંદિરના કપાટ ખોલી નાખવામાં આવ્યા હતા. ભગવાનના આ અલૌકિક રૂપના ઓનલાઇન દર્શન કરીને કૃષ્ણ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

જન્મ થયા બાદ ભગવાન કૃષ્ણને મુખદર્શન કરાવવામાં આવ્યું હતું અને અંતે જગતના નાથની આરતી ઉતારી ભોગ ધરાવવામાં આવ્યો હતો. રવિવારના રોજ નંદમહોત્સવ(પારણાં)ની ઉજવણી કરવામાં આવશે.

દ્વારકામાં જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. ભક્તોએ દ્વારકાધીશજીના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેકના દર્શનનો લ્હાવો લીધો હતો.

મંદિરમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જામી હતી. ભક્તિમય માહોલમાં ગરબાની રમઝટ પણ બોલાવી હતી. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને દર્શન માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ડાકોરમાં પણ શ્રીકૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી
ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર ડાકોરમાં પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ડાકોરમાં જન્માષ્ટમીના પર્વને લઈને ઠાકોરજીને જન્મ સમયે મોગલ સામ્રાજ્યનો કરોડોનો હીરાજડિત મુગટ પહેરાવવામાં આવ્યો હતો.

રાત્રીના ૧૨ વાગે ઠાકોરજીને તિલક કરી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તિલક બાદ ઠાકોરજીને પંચામૃત સ્નાન અને અભિયંગ સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં સાકર માખણ અને પંજાજીરીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ભગવાન રણછોડરાયજી માટે વડોદરાથી મંગાવેલા તાજા કેવડાના ફૂલનો ખાસ મુગટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો ભાવવિભોર બની ‘જય રણછોડ’ના જયઘોષ કર્યો હતો.. મંદિરને 2500થી વધુ રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૈષ્ણવ હવેલીઓ, મંદિરોમાં પણ ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. રાજ્યમાં ઘણી જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા.

શામળાજીમાં કાળિયા ઠાકરનાં હેતથી વધામણા
અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કાળિયા ઠાકરને વિશેષ અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને 4 કરોડના મુગટ સહિત 15 કિલો સોનાના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં યુવાનોએ મટકીફોડનો કાર્યક્રમ યોજી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

કાળિયા ઠાકરને જન્માષ્ટમી માટે વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવેલા વસ્ત્રો તેમજ સોનાના આભુષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમી પ્રસંગે મંદિરને આસોપાલવ, કેળ, વાંસ તેમજ લાઈટોની રોશનીથી શણગારાયું હતું. રાત્રીના બારના ટકોરાએ મંદિરમાં શંખનાદ થતાંની સાથે જ ભક્તો કૃષ્ણ જન્મને વધાવવા ભાવ વિભોર બન્યા હતા. કૃષ્ણ જન્મ બાદ ભક્તોને પંજરીનો પ્રસાદ વહેંચાયો હતો.

આ પણ વાંચો…કચ્છમાં જન્માષ્ટમીની રંગત: ભુજના લોકમેળામાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટ્યા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button