‘…26/11 જેવો હુમલો થશે’ ધમકી આપતો ઈ-મેલ મોકલનાર શખ્સની ધરપકડ
ગાંધીનગર: ગત 6 માર્ચે ગુજરાતની સરકારી એજન્સીઓને એક ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો. ઈ મેઈલમાં ધમકી આપવામાં આવી હતી કે મુંબઈમાં થયેલા 26/11 હુમલાની જેમાં, સીરીઅલ બ્લાસ્ટ કરવામાં આવશે. ધમકી મળતા ગુજરાત સાયબર સેલ અને એન્ટી ટેરરીઝમ સ્કવોડ બંને સંસ્થા એલર્ટ થઈ ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
અહેવાલો મુજબ આરોપીની ઓડીશાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જાવેદ અંસારી તરીકે થઈ છે, તે કાર પેઇન્ટિંગ અને પોલિશિંગનું કામ કરે છે. ATS તેની પૂછપરછ કરી રહી છે. જાવેદ સાથે જોડાયેલા અન્ય શખ્સો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
જાવેદે ધમકીભર્યા ઈ-મેલમાં એવો પણ દાવો કર્યો હતો કે આતંકવાદીઓ બોમ્બ બ્લાસ્ટ માટે તૈયાર છે. આરોપી જાવેદ ખરેખર કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે કે તેણે અન્ય કોઈ કારણોસર આ ઈમેઈલ મોકલ્યો હતો, એ અંગે તપાસ થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાનથી સમુદ્ર માર્ગે આવેલા 10 આતંકવાદીઓએ મુંબઈના કેટલાક જાણીતા સ્થળોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા.