આપણું ગુજરાતભુજ

મિલકતની આકારણીમાં બે લાખની લાંચ લેતાં તલાટીને એસીબીએ ઝડપ્યો…

ભુજ: ભ્રષ્ટાચાર મુક્ત ભારતની આંતરાષ્ટ્રીય મંચ પર થઇ રહેલી વાતો વચ્ચે ગ્રામ પંચાયતના ચોપડે મકાનની આકારણી દાખલ કરવાની અવેજમાં ચાર લાખ રૂપિયાની લાંચ માંગી એડવાન્સમાં બે લાખ રૂપિયા સ્વીકારતો કુકમા ગ્રામ પંચાયતનો તલાટી અને પંચાયત સદસ્ય વચેટિયા મારફતે લાંચ લેતાં ઝડપાઈ જતાં ભારે ચકચાર પ્રસરી છે.

આ અંગે લાંચ રુશવત વિરોધી શાખાએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી વાઘસિંહ તેજસિંહ વાઘેલા (વર્ગ-૦૩) અને પંચાયતના સદસ્ય ઉત્તમ શિવલાલ રાઠોડનો મિલકતની આકારણી સંદર્ભે સંપર્ક કર્યો હતો.

બંને જણે ચાર લાખ રૂપિયાની લાંચની માંગણી કરી, ચાર લાખમાંથી બે લાખ રોકડાં રૂપિયા એડવાન્સમાં આપવા જણાવતાં ફરિયાદીએ ભુજ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.

તલાટી અને પંચાયત સભ્યએ પોતે રૂબરૂ નાણાં લેવાના બદલે ગામના બસ સ્ટેશન પાસે દાબેલીની લારી ચલાવતાં નિરવ વિજય પરમારને રૂપિયા આપી દેવા જણાવ્યું હતું. જેવા નાણાં અપાયાં કે એસીબીએ તુરંત એક્શનમાં આવી વચેટિયા અને તલાટીને ઝડપી લીધાં હતાં. જો કે, ઉત્તમ રાઠોડ હાથ લાગ્યો નથી.
એસીબી, બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં ઈન્ચાર્જ પીઆઈ એલ.એસ.ચૌધરી અને તેમની ટીમે સફળ છટકું ગોઠવ્યું હતું. એસીબીની રેઈડના પગલે ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં વધુ એકવાર ફફડાટ ફેલાઈ ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button