Gujarat માં 10 દિવસ બાદ ટેકાના ભાવે કપાસની ખરીદી ફરી શરૂ

અમદાવાદઃ ગુજરાતના(Gujarat)ખેડૂતો માટે રાજ્ય સરકારે મગફળી બાદ કપાસની ટેકાના ભાવે ખરીદી માટે જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, છેલ્લા 10 દિવસથી સર્વર ઠપ્પ થઇ જતા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરવામાં આવી હતી, જેના કારણે ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હવે 21 ફેબ્રુઆરીના રોજ ફરી સર્વર શરૂ થઇ જતા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી હતી.
Also read: કરજણમાં કપાસ ખરીદવા માટે સીસીઆઇનું કેન્દ્ર શરૂ કરવાની માગ
70 ટકા જેટલી ખરીદી પૂર્ણ થઇ
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેનએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ હોવા પાછળનું કારણ સર્વરમાં ટેક્નિકલ પ્રોબ્લેમ હતી. સર્વર ઠપ્પ થઇ જવાના કારણે સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવી શકતી નહોતી. જો કે, આજથી ફરી સર્વર પ્રોબ્લેમ સોલ્વ થઇ જતા ફરી રાબેતા મુજબ ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. 70 ટકા જેટલી ખરીદી સીસીઆઈ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને 15 માર્ચ સુધી ખરીદી ચાલુ રહેવાની હોવાથી બાકીની ખરીદી આ સમય દરમિયાન પૂર્ણ કરી દેવામાં આવશે.
15 માર્ચ સુધીમાં 100 ટકા ખરીદી પૂર્ણ કરી દેવામાં આવશે
તેમને વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 1494 રૂપિયાના મહત્તમ ભાવથી કપાસની ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવી રહી છે. ખેડૂતોએ ગભરાવવાની જરૂર નથી તમામ આગામી 15 માર્ચ સુધીમાં 100 ટકા ખરીદી પૂર્ણ કરી દેવામાં આવશે. આજથી ફરી ખરીદી શરૂ થઇ જતા રાજકોટના અલગ અલગ 6 કેન્દ્રો ઉપર જે ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ પહોંચી અને કપાસનું વેચાણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સીસીઆઈ કેન્દ્ર પર ખરીદી બંધ થતા ખેડૂતો 10 દિવસ સુધી કપાસ ફરજિયાત પણે ખુલ્લા બજારમાં ઓછા ભાવે પણ વેચવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. થોડા સમય પહેલા રાજ્યભરમાં મગફળીની ખરીદીમાં બાબુઓની લાલિયા વાડીના આક્ષેપો ખુદ ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડણીએ કર્યા હતા.