ભ્રષ્ટાચાર નાબૂદ કેમ થાય? ગુજરાતમાં 24 કલાકમાં પાંચ લાંચિયા અધિકારી પકડાયા
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એક સાથે ત્રણ-ત્રણ રેડ કરીને લાંચિયા અધિકારીઓને ઝડપી લીધા છે. જેમાં સુરતના ખાણખનીજ વિભાગમાં મદદનીશ નિયામક અને મળતિયા લાંચ લેતા ઝડપા છે જયારે સુરત મનપામાં કર્લાકની ફરજ બજાવતા બે ટેક્સ રેક્વિજિશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચ લેતા ઝડપાયા છે. આ ઉપરાંત વલસાડના ઉમરગામમાં ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાકટર લાંચ લેતા ઝડપાયા છે.
આ પણ વાંચો : ભાજપ વિપક્ષી નેતાઓના ભ્રષ્ટાચારની જ વાતો કેમ કરે છે?
સુરતના ખાણખનીજ વિભાગમાં મદદનીશ નિયામક નરેશ જાની અને મળતિયા કપિલ પ્રજાપતિને રેતી અંગેની કામગીરીમાં કોઈ હેરાનગતિ નહીં કરવા બદલ બે લાખની લાંચ લેતા ઝડપી લીધા છે જયારે સુરત મનપામાં કર્લાકની ફરજ બજાવતા જીજ્ઞેશ પટેલ અને મેહુલ પટેલને ટેક્સ રેક્વિજિશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે 35 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. ઉપરાંત એસીબીની ત્રીજી ટેપ વલસાડના ઉમરગામમાં ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાકટર દિનેશ કરાંચીવાલાને ફરિયાદી પાસેથી વીજ મીટર નવું લગાવવા માટે અને ઓનલાઈન અરજી કરવા માટે 12,500ની લાંચ લેતા ઝડપી લીધા છે. છેલ્લા 11 દિવસમાં કુલ 20થી વધુ લાંચિયા બાબુ અને કર્મીઓને ઝડપી લીધા છે જેમાં પોલીસ ઈન્સપેકટરથી લઈને કોમ્પ્યુટર ઓપરેટર સુધીનો સમાવેશ થાય છે. નાગરિકો પાસેથી માત્ર 1500 જેવી લાંચની માગણી કરતા લાખોનો પગાર લેતા આ સરકારી બાબુઓ કેમ ખચકાતા નથી અને તેમને રાજ્ય સરકારનો ડર કેમ નથી તે સવાલ છે.