ગુજરાતમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા? 822 પર પહોંચી એક્ટિવ કેસની સંખ્યા…

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે (7 જૂન) નવા 182 કેસ નોંધાયા હતા. કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચ્યો હતો. હાલ 29 સંક્રમિતો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 793 હોમ આઈસોલેશનમાં છે. 78 દર્દી સ્વસ્થ થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મૃત્યુ થયું નથી.
રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં નોંધાયેલા કોરોના કેસ
6 જૂન | 170 |
5 જૂન | 167 |
4 જૂન | 119 |
3 જૂન | 108 |
રાજકોટમાં આજે કોરોનાના વધુ 9 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં 3 મહિલા, 1 સગીર અને 5 પુરુષનો સમાવેશ થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના સાતથી વધુ દર્દીઓના કરાયેલા જીનોમ સિક્વન્સમાં કોરોનાની ત્રીજી લહેરમાં જોવા મળેલો ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ હોવાનું બહાર આવ્યું છે.

વડોદરામાં છ મહિનાના બાળકને કોરોનાનો ચેપ લાગ્યો હતો. બાળકને સયાજી હોસ્પિટલના આઈસોલેશનમાં દાખલ કરવામાં આવ્યું હતું. વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 17 પર પહોંચ્યો હતો. વડોદરા શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સ્થાનિક આરોગ્ય તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય લક્ષી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી દરમિયાન શહેરના ભાયલી, ગોત્રી, ગોરવા, કપુરાઈ, નવાયાર્ડ, છાણી, સુદામા પૂરી વગેરે વિસ્તારોમાંથી કોરોનાના લક્ષણો ધરાવતા નવાં 11 કેસો સામે આવ્યા હતા. જેમાં શંકાસ્પદ 96 જેટલા વ્યક્તિઓના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે આ તમામને હાલના તબક્કે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5755 પર પહોંચી છે. કેરળમાં સૌથી વધુ 1806 એક્ટિવ કેસ છે. બીજા ક્રમે ગુજરાતમાં 717 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં 665, પશ્ચિમ બંગાળમાં 622 અને મહારાષ્ટ્રમાં 577 એક્ટિવ કેસ છે.