આપણું ગુજરાત

Gujart police: લાંચ લેવામાં ગુજરાત પોલીસ સતત પાંચમા વર્ષે નંબર વન, ACBએ કર્યો ખુલાસો

ગાંધીનગર: તાજેતરમાં અમદાવાદમાં પોલીસકર્મીઓ ધાકધમકીથી લાંચ લેતા હોવાની બે ચર્ચિત ઘટનાઓ બની હતી, જે બાબતે પોલીસ ખાતાની ભારે ટીકા થઇ હતી, હાઈ કોર્ટે પણ પોલીસ વિભાગને ફટકાર લગાવી હતી. એવામાં એક અહેવાલ જાહેર થયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2023માં ગુજરાત સરકારના બધા વિભાગોમાંથી પોલીસ વિભાગમાં લાંચ લેવાની સૌથી વધુ કેસ નોંધાયા છે, આ સાથે જ ગુજરાત પોલીસ આ યાદીમાં સતત પાંચમાં વર્ષે ટોપ પર રહી છે.

2019 પછી આ સતત પાંચમું વર્ષ છે, જ્યારે ગુજરાત પોલીસ દળ લાંચ લેવાના કેસના પ્રથમ સ્થાને રહ્યું છે. એક અખબારી અહેવાલમાં રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના ડેટાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વર્ષ 2023માં ACB દ્વારા દાખલ કરાયેલા 66 કેસમાં ગૃહ વિભાગ સાથે સંકળાયેલા 65 પોલીસકર્મી અને તેમના 29 સહાયક મળીને કુલ 94 શખ્સ પકડાયા હતા. ACBએ 60 કેસ સાથે સંકળાયેલી કુલ રૂ. 38.07 લાખની લાંચની રકમ રિકવર કરી હતી.


જાહેર થયેલો ડેટા રાજ્ય સરકાર હેઠળના 26 વિભાગોને આવરી લે છે, જેમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ માટે એક અલગ ભાગ છે. રાજ્ય ACB દ્વારા 2023 માં કુલ 205 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 1.19 કરોડ રૂપિયાની લાંચ લેવા બદલ 283 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.


જેમાં ગૃહ વિભાગ હેઠળના પોલીસ ખાતા પછી, રાજ્ય પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ રૂ. 15.95 લાખની લાંચના 37 કેસ સાથે બીજા ક્રમે છે. રાજ્યનો મહેસૂલ વિભાગ 15.70 લાખની લાંચના 25 કેસ સાથે ત્રીજા ક્રમે હતો.


2023 માં લાંચની રકમ પણ 2022 થી વધી હતી, વર્ષ 2022 ગૃહ વિભાગ સાથે જોડાયેલા 61 વ્યક્તિઓ 12.74 લાખ રૂપિયાની કથિત લાંચ લેતા પકડાયા હતા. વર્ષ 2023માં આ રકમ રૂ.38 લાખ થઇ હતી.


2019 અને 2023 ની વચ્ચેના પાંચ વર્ષમાં, પોલીસ દ્વારા કથિત રીતે લેવામાં આવેલી લાંચની સૌથી વધુ રકમ 2021માં 63.81 લાખ રૂપિયા હતી, જે વર્ષ કોવિડ મહામારીનું હતું, જે વર્ષમાં 50 પોલીસકર્મીઓ અને તેમના 24 સહાયકો ઝડપાયા હતા. તે વર્ષમાં ACB ના કેસોની કુલ લાંચની રકમ 1.31 કરોડ રૂપિયામાં અડધો અડધ ફાળો પોલીસ વિભાગનો હતો.


આંકડાઓ અનુસાર, જોકે 2018માં પોલીસ સામે સૌથી વધુ 81 કેસ નોંધાયા હતા, જેમાં રૂ. 20.14 લાખની લાંચનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રાજ્યના કૃષિ વિભાગ સાથે સંકળાયેલા 60 કેસમાં સૌથી વધુ 260 લોકો પકડાયા હતા. 2018માં ફક્ત જુનિયર સ્તરના પોલીસ અને તેમના સહાયકો પર લાંચ લેવાનો આરોપ હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button